અમરાવતી : ગુજરાત સરકારે દિવાળી બાદ સ્કૂલો ખોલવા માટે વિચારણા કરી છે પરંતુ જે રાજ્યોએ સ્કૂલો ખોલી નાંખી છે ત્યાં સ્કૂલોમાં કોરોનાનુ સંક્રમણ તરત જ પહોંચી ગયુ હોવાનુ સામે આવી રહ્યુ છે.આ બાબતને ગુજરાત સરકારે ધ્યાનમાં લેવી પડશે.
આંધ્રપ્રદેશમાં સ્કૂલો ૨ નવેમ્બરથી શરુ કરાઈ છે અને ચાર જ દિવસમાં ૬૦૦ બાળકો કોરોના સંક્રમિત થઈ ગયા છે અને ૮૩૦ શિક્ષકો કોરોના પોઝિટિવ થયા છે.રાજ્યમાં સ્કૂલોની સાથે યુનિવર્સિટીઓ અને કોલેજો પણ ખોલવામાં આવ્યા છે.ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો અહીંયા ધો.૧૦ થી ૧૨ માટે સ્કૂલો ખુલી છે પણ ગઢવાલ જિલ્લામાં જ ૨૦ સ્કૂલોના ૮૦ શિક્ષકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.જેના પગલે અહીંયા સ્કૂલો પાંચ દિવસ માટે ફરી બંધ કરી દેવાઈ છે.
દરમિયાન મહારાષ્ટ્રે જાહેરાત કરી છે કે, ૨૩ નવેમ્બરથી ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવશે.આ માટે સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.જોકે વાલીઓની સંમતિ હશે તો જ સ્કૂલો ખોલવામાં આવશે.
દરમિયાન ઓરિસ્સાએ કોરોનાની બીજી લહેરની આશંકાને જોઈને નવેમ્બરમાં સ્કૂલો ખોલવાનો નિર્ણય પાછો લીધો છે.
કેન્દ્ર સરકારે તો ૨૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧૨ માટે સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી.૧૫ ઓક્ટોબરથી તો તમામ ધોરણ માટે સ્કૂલો ખોલવાની ગાઈડલાઈન જાહેર કરી હતી.જોકે કેટલાક રાજ્યોએ સ્કૂલો બંધ રાખવાનુ જ નક્કી કર્યુ છે.દરેક રાજ્ય પોતાની રીતે આ માટે ગાઈડ લાઈન બનાવી રહ્યુ છે.