ગાંધીનગર : ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો હતો. હાલ ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૪૪ હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે.
કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.