વડોદરા : વડોદરાના પાખંડી ધર્મગુરુ કહેવાતા બગલામુખી તાંત્રિક તરીકે જાણીતા પ્રશાંત ઉપાધ્યાયની સામે સેવિકાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. પ્રશાંત છેતરપિંડીના કેસમાં પહેલાંથી જ જેલમાં બંધ હતો. ત્યારે તેની સામે એક પીડિતાએ વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આજે જેલમાંથી પ્રશાંતની કસ્ટડી મેળવી હતી.
વડોદરાના એસીપી રાજગોરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસે આ મામલે પાખંડની મદદગારીના આરોપમાં દિશા નામની એક સેવિકાની ધરપકડ કરી લીધી જ્યારે સીમા અને ઉન્નતિ નામની અન્ય બે સેવિકાઓની શોધખઓળ શરૂ છે. આ બંને સેવિકાઓ પણ એટલી જ ભાગીદાર હોવાનો પોલીસનો દાવો છે.
પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ૩ સેવિકા દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ કેસમાં સામેલ હોવાનો આરોપ પીડિતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યો હતો. આ ત્રણેય સેવિકાઓના વિડિયો વાઈરલ થયા છે. જેમાં સેવિકાઓ ગુરૂજી એટલે કે પાખંડી પ્રશાંતને જન્મદિવસની શુભકામનાઓ આપે છે, જે પૈકી ૨ સેવિકાઓ તો વીડિયોના અંતમાં લવ યુ ગુરૂજી પણ કહે છે. સેવિકા દિશા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે દીક્ષા દુબઇમાં હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ઉન્નતિનો હજી સુધી કોઇ પત્તો પોલીસને મળ્યો નથી. પોલીસે ફરાર બંને સેવિકાઓની શોધખોળ શરૂ કરી છે.
દરમિયાન વાયરલ વીડિયોમાં દેખાતી બે સેવિકા સીમા અને ઉન્નતિ પણ આ કેસમાં ઘણા રાઝ જાણતી હોવાની પોલીસને આશંકા છે. કારણ કે જે યુવતિ પર દુષ્કર્મ થયું તેને પણ આ સેવિકાઓ જ પાખંડી ગુરૂની જાળ સુધી લઈ ગઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે માટે તેમની પુછપરછ અનિવાર્ય છે. આ મામલે અગાઉ પોલીસે પ્રશાંતની સાગરિત અને સેવિકા દિશા જોનની ધરપકડ કરી હતી. પોલીસને દિશાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી. આજે એસીપી રાજગોરે જણાવ્યું હતું કે ’દિશા પ્રશાંતની ખાસમ ખાસ હતી, એની સંમતિ વગર કોઈ કઈ કરી શકતું નહોતું. રિમાન્ડ દરમિયાન એવું જાણવા મળ્યું કે પ્રશાંતની દરેક કાર્યવાહી કે સેવિકાઓનો વ્યવહાર સાચવતી હતી.