સિડની : ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ વન ડે મેચમાં કમાલ કરી બતાવી હતી. હાર્દિક પંડ્યાએ હાઈસ્કોરિંગ મેચમાં માત્ર ૭૬ જ બોલમાં ૯૦ રન ઝીંકી સૌને ફરી એકવાર પોતાની ક્ષમતાનો પરચો આપ્યો હતો. આ સાથે જ તેણે ભાઈ ક્રુણાલ પંડ્યાને લઈને મહત્વપૂર્ણ ઈશારો કર્યો હતો. હાર્દિક પંડ્યાને પીઠની સર્જરી થઈ હતી. જેથી હજી સુધી તે બોલિંગ ફેંકી શકે તેમ નથી. આ મામલે હાર્દિકે કહ્યું હતું કે, જ્યાં સુધી હું બોલિંગ ફેંકવાની દિશામાં કામ કરી રહ્યો છું.
જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું બોલિંગ જરૂરથી કરીશ. હાર્દિકે ઉમેર્યું હતું કે, ભારતે વધારે ઓલરાઉન્ડરના વિકલ્પો પર વિચાર કરવો જોઈએ કારણ કે છઠ્ઠા બોલરનો વિકલ્પ વન ડે ટીમના સંતુલન માટે ખાસ જરૂરી છે. હાર્દિકે કહ્યું હતું કે, મને લાગે છે કે કદાચ આપણે કોઈ એવા ખેલાડીને શોધવો જોઈએ કે જે ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યો હોય. તેને પરિપક્વ બનાવવાની રીતો શોધવી જોઈએ. જ્યારે ટીમ પાંચ બોલર સાથે ઉતરે છે તો તે હંમેશા મશ્કેલી ભર્યું જ હશે કારણ કે કોઈનો પણ દિવસ સારો નહીં હોય તો તેની ભૂમિકા અદા કરવા તમારી પાસે કોઈ વિકલ્પ જ નહીં હોય.
પરંતુ જો છઠ્ઠો વિકલ્પ ટીમ પાસે હશે તો તેનાથી બોલિંગમાં ઘણી જ મદદ મળશે. હાર્દિકે પસંદગીકર્તાઓને પોતાના ભાઈ ક્રુણાલ તરફ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો હતો. ક્રુણાલ સ્પિન ઓલરાઉન્ડર છે. હાર્દિકે ભાઈ કૃણાલની તરફેણ કરતા કહ્યું હતું કે, તને બીજાના નામ પણ લઈ શકો છો. અથવા તો આપણે પંડ્યા પરિવાર તરફ પણ નજર દોડાવવી જોઈએ.