Charotar Sandesh
ઈન્ડિયા

એર ઇન્ડિયાને બચાવવા તેના કર્મચારીઓ જ મેદાનમાં, એરલાઇન્સમાં ભાગ ખરીદશે…

ન્યુ દિલ્હી : ૬૯ હજાર કરોડ રૂપિયાથી વધુ દેવામાં ફસાયેલી સરકારી ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાને તારણહાર મળી જવાની આશા જાગી છે. રસપ્રદ રીતે વરિષ્ઠ કર્મચારીઓનું એક ગ્રુપ પોતાની જ કંપનીને ખરીદવા આગળ આવ્યું છે. આ કર્મચારી પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સાથે સરકારી બોલીમાં હિસ્સો લેવાની તૈયારી કરી રહ્યા છે. વાત બની જશે તો દેશના કોર્પોરેટ ઈતિહાસનો આ પ્રથમ મામલો હશે, જ્યારે કોઈ સરકારી કંપનીને કર્મચારીઓ ખરીદશે.
કંપનીના તારણહાર બનવા જઇ રહેલા વરિષ્ઠ અધિકારીઓમાંથી એકે કહ્યું હતું કે દિવાળી પછી એર ઈન્ડિયાના હેડક્વાર્ટરમાં ૪-૫ સાથી બેઠેલા હતા. બધા એર ઈન્ડિયામાં ૩૦-૩૨ વર્ષથી નોકરી કરી રહ્યા છે. ચર્ચા થવા લાગી કે આ વખતે તો દિવાળી મનાવી રહ્યા છીએ. આગામી દિવાળીએ એર ઈન્ડિયાની શું સ્થિતિ હશે? કર્મચારીઓનું શું થશે? કંઈ જ ખબર નથી. જોઈનિંગના પહેલા દિવસનો અનુભવ બતાવતાં બતાવતાં બધા ભાવુક થવા લાગ્યા. ત્યારે એક અધિકારીએ કહ્યું, જે એરલાઇન્સમાં આખું જીવન વીતી ગયું, કદાચ એને આપણે ખરીદી શક્યા હોત! એ બાબત પર એક અધિકારીએ કહ્યું, આટલી ભારે-ભરખમ રકમ આપણે ક્યાંથી લાવીશું? ત્યારે આઈડિયા આવ્યો કે કોઈ ફાઈનાન્સર શોધી કર્મચારીઓ જ ભાગીદારીથી કેમ ન ખરીદી શકે? આ વિચાર પર બધા ગંભીર થઈ ગયા.
અધિકારી જણાવે છે કે અમારા વિચારોને જાણે પાંખો લાગી ગઈ. અમે ફાઈનાન્સર શોધવાની શરૂઆત કરી દીધી અને એક નામ પર સંમતિ સધાઈ. પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ અમારા પ્રસ્તાવ અંગે તૈયાર થઈ. એ પછી એર ઈન્ડિયાના એ અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરાઈ, જેમની નોકરીને ૩૦થી ૩૨ વર્ષ થઈ ચૂક્યાં છે. એની પાછળનો તર્ક એ હતો કે જૂના કર્મચારીઓનું કંપની સાથે ભાવનાત્મક જોડાણ રહેશે. તે સંપૂર્ણપણે આ અભિયાનને ટેકો આપશે. આ અભિયાનથી ૨૦૦થી વધુ કર્મચારી જોડાઇ ચૂક્યા છે. હાલ ૧-૧ લાખ રૂપિયા એકઠા કરાઇ રહ્યા છે. એર ઇન્ડિયામાં કુલ ૧૪ હજાર કર્મચારી છે. અભિયાન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કંપનીમાં આજે પણ સંભાવનાઓ છે. બધું ઠીક રહેશે તો બે વર્ષમાં કંપની ટ્રેક પર આવી શકે છે.

Related posts

મમતાની ઇચ્છા વર્ષ ૨૦૨૧માં પૂરી થઈ જશે, બંગાળમાં ભાજપની સરકાર બનશે : શાહનો હુંકાર

Charotar Sandesh

નવરાત્રિથી યોગી સરકાર મહિલાઓની સુરક્ષા માટે મિશન શક્તિ શરૂ કરશે…

Charotar Sandesh

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી…

Charotar Sandesh