રાજકોટમાં કોંગ્રેસે કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડી વિરોધ નોંધાવ્યો…
રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે ૨૭મો દિવસ છે. ત્યારે આજે રાજકોટ કોગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામનાર ૨૨ ખેડૂતોને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના નેતા નરેશ રાવતે જણાવ્યું હતું કે, ખેડૂતોને પાકિસ્તાની તરફી અને આતંકવાદી કહેવા એ ભાજપનો કોમન એજન્ડા છે.
નરેશ રાવતે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ખેડૂત આંદોલન તોડવાનું વાતાવરણ ઉભું કરી રહ્યું છે. પરંતુ ભાજપને આ અંગે કોઈ સફળતા મળી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને લાંબા સમયથી ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે. સરકાર કાળા કાયદા પાછા ખેંચે તે અંગે અમે ચર્ચા કરવા આવ્યા છીએ. પહેલા સ્જીઁની વાત હતી તેમાં પણ એ લોકો ટસના મસ થતા નથી. રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે કોંગ્રેસના નેતાઓ દ્રારા કૃષિબિલને ફાડીને વિરોધ કર્યો હતો.
સાથે સાથે સિંઘુ બોર્ડર પર મૃત્યુ પામનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ બિલ ખેડૂતો માટે નુકસાનકારક છે અને આ બિલથી ખેડૂતોની જમીન છિનવાઇ જશે. કેન્દ્રિય રાજ્ય કૃષિમંત્રી પરસોતમ રૂપાલા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું હતુ કે, કૃષિમંત્રીએ આંદોલનકારી ખેડૂતોની વચ્ચે રહીને પ્રશ્ન હલ કરવાની જગ્યાએ કૃષિ સંમેલનમાં ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે.