મેલબર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટનનો જબરદસ્ત જલવો જોવા મળ્યો. ભારતે બીજા દિવસની રમત પુરી થઈ ત્યાં સુધીમાં ૫ વિકેટ ગુમાવીને ૨૭૭ રન બનાવી લીધાં છે. ભારત તરફથી અજિંક્યે રહાણેએ ૧૦૪ અને રવીંદ્ર જાડેજા ૪૪ રન બનાવીને હજુ ક્રીઝ પર છે. આ બન્ને બેટ્સમેન પર ત્રીજા દિવસે લીડ વધારવાની મોટી જવાબદારી હશે. ટીમ ઈન્ડિયાના પાર્ટટાઈમ કેપ્ટન અજિંક્ય રાહણે આજે જવાબદારી પૂર્વકની પારી રમીને શાનદાર સદી ફટકારી.
કોહલીની ગેરહાજરીમાં રહાણેએ કેપ્ટન ઈનિંગ રમીને સોંપાયેલી જવાબદારી બખુબી નિભાવી. આ તેમના ટેસ્ટ કરિયરની ૧૨મી સદી છે. ઋષભ પંત સારા ફોર્મમાં લાગી રહ્યો હતો, જોકે મિશેલ સ્ટાર્કે તેને ટિમ પેનના હાથે કેચ આઉટ કરાવી દીધો. પંત આજે ૨૯ રન જ બનાવી શક્યો. હનુમા વિહારી પાછલી મેચની જેમ આ મેચમાં પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ નિવડ્યો. તે માત્ર ૨૧ રન બનાવીને નાથન લોયનના બોલનો શિકાર બની ગયો.
ચેતેશ્નર પુજારા પાસે મોટી ઈનિંગની આશા હતી, જોકે, પુજારા માત્ર ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયો, પૈટ કમિંસે પુજારાને પોતાનો શિકાર બનાવ્યો. પોતાની પહેલી મેચ રમી રહેલો શુભમન ગિલ ખુબ જ સમજદારી પુર્વક બેટિંગ કરી રહ્યો હતો. અર્ધશતકથી માત્ર ૫ રન પહેલાં જ પૈટ કમિંસે તેને ૪૫ રનના સ્કોર પર ટિમ પેનના હાથે કેચ આઉટ કરાવી દીધો. ટીમ ઈન્ડિયાની જેમ અજિંક્યે રહાણે સહિત તમામ બેટ્સમેન પર લીડ વધારવાની મોટી જવાબદારી છે. ભારત કોઈપણ ભોગે મોટી લીડ મેળવવાનો પ્રયાસ કરશે.