ગાંધીનગર : કોરોના મહામારીને અટકાવવા ગુજરાત સરકારે રાત્રિ કર્ફ્યૂ લાદ્યું છે તેને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાત્રિ કર્ફ્યૂને લઈને સીએમ વિજય રૂપાણીએ એક જાહેરાત કરી છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. ૧૫ દિવસ સુધી એટલે કે ૩૧મી જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્ય યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને લઈને લોકોના મનમાં જે સવાલ હતો તેનો અંત આવી ગયો છે.
રાજ્યના ચાર મહાનગરોમાં ચાલી રહેલો રાત્રિ કર્ફ્યૂ ઉત્તરાયણ પછી સમાપ્ત થાય તેવું પ્રજા ઇચ્છી રહી હતી. કોરોનાના સતત ઘટી રહેલા કેસ અને વેક્સિનેશન વચ્ચે અમદાવાદ-વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો ધી એન્ડ થશે એવું પ્રજાને લાગી રહ્યું હતું પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે હાલમાં તો સરકાર રાત્રિ કર્ફ્યૂમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.
ગુજરાતના ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂ હજુ પણ યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી હતી, પરંતુ રાત્રિ કર્ફ્યૂ ઉત્તરાયણ પછી સમાપ્ત થાય તેવું પ્રજા ઇચ્છી રહી હતી. અગાઉ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતાં સૂત્રોનું માનવું હતું કે સરકાર ૧૧ વાગ્યા સુધી ઢીલ આપી શકે છે. જોકે રૂપાણી સરકારનો નિર્ણય આવી ગયો છે અને જે નીતિ નિયમો સાથેનો કર્ફ્યૂ છે તેમ ચાલું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થવા જઈ રહ્યો છે.