ન્યુ દિલ્હી : શોર્ટ વીડિયોઝ શેરિંગ એપ ટિકટોક સહિત અન્ય અનેક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે આ દરેક એપ્સને નોટિસ મોકલી છે. આ કેસની નજીકના એક સ્ત્રોતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે પ્રતિબંધિત એપની સમીક્ષા કર્યા બાદ નોટીસ પાઠવવામાં આવી છે.
ટિકટોકના સંપર્કથી સરકારની તરફથી નોટિસ મળ્યાની પુષ્ટિ થઈ છે. તેઓએ કહ્યું છે કે અમે નોટિસનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તેનો જવાબ આપીશું. ભારત સરકાર દ્વારા ૨૯ જૂને જાહેર કરાયેલા નિર્દેશમાં ટિકટોકનું પણ નામ હતું. અમે સતત સ્થાનીય કાયદા અને નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને સરકારની કોઈ પણ ચિંતાનું સમાધાન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ પણ કરીશું. અમારા દરેક યૂઝર્સની ગોપનીયતા અને સુરક્ષા નક્કી કરવાનું અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ગયા વર્ષે જૂનમાં ટિકટોક સહિતની અન્ય ૫૯ ચાઈનીઝ એપ્સ પર બૅન લગાવાયો અને પછી તેને બંધ કરી દેવાઈ. તેમાં યૂસી બ્રાઉઝરના એપ્સ પણ સામેલ હતા. સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૯-એના આધારે ૫૯ ચાઈનીઝ એપ્સ પર બૅન લગાવ્યો છે. કેન્દ્ર સરકારની તરફથી આ નિર્ણયો પર કહેવાયું છે કે અમારી પાસે ઉપલબ્ધ જાણકારીના આધારે આ એપ્સમાં એવી ગતિવિધિઓ છે જે ભારતની રક્ષા, સુરક્ષા, સંપ્રભુતા અને અખંડતતા માટે હાનિકારક છે. આ પછી સરકારે અન્ય ૧૧૮ એપ્સ પર પણ સપ્ટેમ્બર મહિનામાં રોક લગાવી હતી.