….અંતે બાપુની થશે કોંગ્રેસમાં ઘરવાપસી….!!
મેડમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દિલ્હી બોલાવી ચર્ચા કરે તો વિચારીશઃ શંકરસિંહ વાઘેલા
અમદાવાદ : કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહમદભાઈ પટેલના નિધન બાદ સતત એવી વાતો વહેતી થઈ રહી હતી કે, શંકરસિંહ વાઘેલા ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈને તેમનું સ્થાન લઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો હતો કે, ટૂંક સમયમાં જ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ફરી એન્ટ્રી થઈ શકે છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ આ અંગે શંકરસિંહ બાપુ સાથે ચર્ચા કરી રહ્યા હોવાના પણ મેસેજ ફરતા થયા હતા. આ અટકળો અંગે શંકરસિંહ બાપુએ પોતે સ્પષ્ટતા કરી છે. તેમણે પોતાના ફેસબુક પેજ પર પોતાનો વિડીયો પોસ્ટ કરી આ મામલે વિગતવાર વાત કરી. જેમાં તેમણે કોંગ્રેસમાં પાછા જવાનો સ્પષ્ટ સંકેત તો નથી આપ્યો, પરંતુ એટલું ચોક્કસ જણાવ્યું છે કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ તે અંગે ચર્ચા માટે બોલાવશે તો ચોક્કસ તેના પર તેઓ વિચાર કરી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.
અહમદ પટેલની અંતિમક્રિયામાં જવા અંગે શંકરસિંહે વિડીયોમાં જણાવ્યું છે કે, ’મારું રાજકારણ એ પ્રજાકારણ છે. રૂટિન પોલિટિશિયન જે હોય તેવું નથી. તેમાંય જ્યારે ખૂબ વર્ષોના સંબંધી એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા માનનીય અહમદ ભાઈ પટેલ જ્યારે જન્નતનસીન થયા ત્યારે સ્વાભાવિક છે કે, એમના જનાજામાં હાજરી આપવી, પરિવારજનોને આશ્વાસનના બે શબ્દો કહેવા. એ અચાનક અવસાનના લીધે જ્યાર તેમનો નશ્વર દેહ અંકલેશ્વર લઈ આવ્યા ત્યારે સ્વાભાવિક હું ત્યાં ગયો હતો. ત્યાં ગયો અને અહેમદભાઈની પૂરી વિધિ થયા પછી બહાર નીકળ્યો ત્યારે અનેક કાર્યકર્તા મને ભેટીને રડ્યા, ઘણાં આગેવાનોએ કીધું કે, બાપુ હવે તમે પાછા કોંગ્રેસમાં આવી જાઓ. સ્વાભાવિક એ વખતે કોઈ જવાબ આપવાનો કે રાજકારણની ચર્ચા કરવાનો કોઈ અવકાશ ન હતો.’
કોંગ્રેસમાં જોડવા અંગે તેમણે કહ્યું કે, ’એ પછી અનેક આગેવાનોએ આગ્રહક કે તમે કોંગ્રેસમાં આવો તો સારું. મારો જવાબ જે આના અનુસંધાનમાં એક જ છે કે જ્યારે દિલ્હીમાં મેડમ સોનિયા ગાંધી યા રાહુલ ગાંધી જે વર્ષોથી મારે એમને પરિચય છે, એવું કહેશે કે આવો આપણે પોલિટિકલી શું કરવું જોઈએ તમારે અને તેની વાતચીત કરવા દિલ્હી કહેશે તો દિલ્હી જઈશ.’
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને મળવા અંગે બાપુએ જણાવ્યું કે, ’અહીં સ્થાનિક આગેવાનોમાં ભરતસિંહભાઈની તબિયત પૂછવા ગયો હતો. માધવસિંહ ભાઈના અવસાન પછી એમનેય આશ્વાસનના બે શબ્દો કહેવા પણ ટૂંકમાં મળ્યો હતો. રાજકીય વાતો અવારનવાર દરેક સાથે થતી હોય છે. એમના સિવાય કોઈ મિત્રો સાથે આ અંગે મારે મળવાનું બન્યું નથી.’
જણાવી દઈએ કે, આજે કેટલાક મીડિયા રિપોર્ટ વહેતા થયા હતા કે, શંકરસિંહ વાઘેલા ટૂંક સમયમાં કોંગ્રેસમાં પાછા જાડાશે. એવી પણ વાત વહેતી થઈ હતી, બાપુએ પોતે ઘરવાપસીની ઈચ્છા દર્શાવી છે. એવું પણ કહેવાઈ રહ્યું હતું કે, બાપુને ઘરવાપસી કરાવવામાં ભરતસિંહ સોલંકી મધ્યસ્થી કરી રહ્યા છે. રિપોર્ટમાં તો એવું પણ કહેવાઈ રહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાની રી એન્ટ્રી પર કોંગ્રેસ હાઈકમાન્ડ મહોર લગાવશે અને તેમના પાછા આવવાથી કોંગ્રેસને ફાયદો થશે. જોકે, હવે ખુદ શંકરસિંહ વાઘેલા આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
શંકરસિંહે અત્યારસુધીમાં કયા કયા પક્ષ છોડ્યા…
ભાજપ(જનસંઘ)માં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડમંત્રી પણ બન્યા. જોકે ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતાં તેઓ જૂન ૨૦૧૯માં એનસીપીમાં જોડાયા હતા, પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.