અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન બનશે…
USA : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને મોટું પગલું ઉઠાવતા સંસદમાં અમેરિકન નાગરિકતા બિલ ૨૦૨૧ રજૂ કર્યું છે. જો આ કાયદો બને છે તો આનાથી હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. આના દ્વારા રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે કોઈ દેશના પ્રવાસીઓની સંખ્યા સીમિત કરવા પર પહેલા લગાવવામાં આવેલો પ્રતિબંધ ખત્મ કરવામાં આવશે. કાયદો બન્યા બાદ એચ-૧ બી વિઝા ધારકોના આશ્રિતોને પણ કામ કરવાની પરવાનગી મળશે.
અમેરિકામાં ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરનારા હજારો ભારતીયોને પણ આનો ફાયદો થશે. સંસદના બંને ગૃહ પ્રતિનિધિ સભા અને સીનેટમાં બિલ પસાર થવા અને રાષ્ટ્રતિ જો બાઇડનની સહી થયા બાદ કાયદો બનવાથી દસ્તાવેજ વગર રહેતા અને કાયદેસર રીતે દેશમાં આવેલા લાખો લોકોને નાગરિકતા મળવાનો રસ્તો ખુલશે. સીનેટર બૉબ મેનેંડેઝ અને પ્રતિનિધિ સભાની સભ્ય લિંડા સાંચેઝે સંવાદદાતાઓને કહ્યું કે, અમેરિકન નાગરિકતા કાયદા ૨૦૨૧માં ઇમિગ્રેશન સુધારાની જોગવાઈ કરી છે. આ મહત્વપૂર્ણ પગલાને અંતર્ગત ગ્રીન કાર્ડ માટે ૧૦ વર્ષથી વધારે સમયથી ઇંતઝાર કરી રહેલા પ્રોફેશનલ્સને કાયદેસર રીતે સ્થાયી રીતે રહેવાની મંજૂરી મળી જશે.
આ કાયદો બનવાથી સૌથી વધારે ફાયદો ભારતીયોને થશે. બાઇડને ૨૦ જાન્યુઆરીના શપથ લીધા બાદ આ બિલને સંસદ માટે મોકલી દીધું હતુ. આ અંતર્ગત રોજગાર આધારિત પેન્ડિંગ વિઝાને મંજૂરી આપવામાં આવશે. પ્રત્યેક દેશ પર વિઝા માટે લગાવવામાં આવેલી મર્યાદા પણ ખત્મ કરવામાં આવશે અને વેઇટિંગ ટાઇમ પણ ઘટાડવામાં આવશે. આ બિલમાં આવા લગભગ ૧૧ મિલિયન ઇમિગ્રેન્ટ્સને પણ નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે, જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. આમના માટે ૮ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આમાં એ લોકો પણ સામેલ છે જે શરણાર્થી છે અને અમેરિકામાં રહી રહ્યા છે.
બિલમાં અમેરિકન વિશ્વવિદ્યાલયોથી STEM વિષયના ડિગ્રી ધારકોને અમેરિકામાં રહેવાનો રસ્તો પણ સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનયી છે કે STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) વિષયોમાં ડિગ્રી માટે અમેરિકન વિશ્વવિદ્યાલયોમાં સૌથી વધારે વિદ્યાર્થી ભારતના જ છે. બંને ગૃહમાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના બહુમત છે. જો કે ઉપરના ગૃહમાં બિલને પસાર કરવા માટે પાર્ટીને ૧૦ રિપલબ્લિકન સભ્યોના સમર્થનની જરૂર રહેશે.
- Nilesh Patel