આ વર્ષે પણ કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં થાય…
ગાંધીનગર : ગુજરાતમાં ચૂંટણી પછી કોરોના બેકાબૂ બન્યો છે. અને દિવાળી બાદ જેવી કોરોનાની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી તેવી જ સ્થિતિ હાલ ઉભી થઈ છે. તેવામાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કોરોના સંક્રમણ વધવાને લઈ દોષનો ટોપલો પબ્લિક પર ઢોળ્યો છે. અને નેતાઓ સામે પગલાં ભરવાનો સવાલ પૂછતાં જ ભીનું સંકેલ્યું હતું.
કોરોનાને લઈ ડીજીપી આશિષ ભાટિયાએ નિવેદન આપતાં જણાવ્યું કે પબ્લિક રિલેક્સ થતાં કોરોનાનાં કેસ ફરીથી વધ્યા છે. અગાઉ રાજ્યમાં સવા કરોડ રૂપિયા દંડ રોજનો વસુલતા હતા જ્યારે હવે બીજી લહેરમાં રોજ ૨૫ લાખ જેટલો દંડ રાજ્યમાં નિયમોના ભંગ બદલ વસૂલાય છે. આ ઉપરાંત ડીજીપીએ કહ્યું કે વેક્સિનેશન જલ્દી પૂરું થાય તો કેસ ઘટી શકે છે.
તદુપરાંત આશિષ ભાટિયાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા તહેવારોની ઉજવણી કરાય તો યોગ્ય રહેશે. જ્યારે નેતાઓને કેમ પોલીસ દંડતી નથી? તે અંગે ડીજીપીએ કહ્યું તે પોલીસ એ નેતાઓ સામે પણ પગલાં ભર્યા છે. સુરત અને તાપીમાં દાખલારૂપ ગુના દાખલ કર્યા છે. બસ આટલું કહી ડીજીપીએ નેતાઓનાં સવાલ પર ભીનું સંકેલ્યું હતું. જ્યારે મીડિયાકર્મી અન્ય સવાલો પૂછવા ગયા તો આજના કાર્યક્રમનું પૂછો તેમ કહી ડીજીપીએ અન્ય વાતો શરૂ કરી દીધી હતી.
આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે. આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.