સુરત : હાલના દિવસોમાં ગુજરાતના કોરોના કેપિટલ બની ગયેલા સુરતમાં વેક્સિન લીધા બાદ પણ સાત પોલીસકર્મીઓને વાયરસનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે સુરતમાં ૩૨૪ નવા કેસ સામે આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જેમને ચેપ લાગ્યો છે તેવા સાત પોલીસકર્મીઓમાંથી કેટલાકે રસીનો પહેલો ડોઝ લીધો હતો જ્યારે કેટલાકે બંને ડોઝ લઈ લીધા છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલે ચિંતા કરવા જેવું નથી. બીજો ડોઝ લીધા પછી પણ શરીરમાં કોરોના સામે લડી શકે તેવા એન્ટિબોડી ડેવલપ થતાં કેટલાક દિવસો લાગે છે. જે પોલીસકર્મીઓને ચેપ લાગ્યો છે તેમનામાં હળવા લક્ષણો દેખાયા છે, અને તેમને હાલ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના આઠવા વિસ્તારમાં ગુરુવારે સૌથી વધુ ૮૫ કેસ નોંધાયા હતા. ત્યારબાદ રાંદેરમાં ૭૪ અને લિંબાયતમાં ૩૭ કેસ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો રોકેટ ગતિએ વધતા બુધવારે જ સુરતમાં સિનેમા હોલ્સ અને તમામ જાહેર સ્થળોને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા જેમને ચેપ લાગી ચૂક્યો છે તેવા લોકોને જલ્દીથી જલ્દી ઓળખીને આઈસોલેટ કરી શકાય તે માટે જોરશોરથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સિટી બસોને મોબાઈલ ટેસ્ટિંગ સેન્ટરમાં ફેરવી દેવાઈ છે, અને અલગ-અલગ વિસ્તારોમાં વેપારીઓ, દુકાનદારો તેમજ અન્ય લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
કોરોનાને કાબૂમાં લેવા માટે સુરતમાં સખ્તી પણ વધારવામાં આવી છે. માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન ના કરનારા લોકોને પકડવા માટેની ડ્રાઈવ વધુ કડક બનાવાઈ છે. અડાજણ, રાંદેર, આઠવામાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે જો કોઈ જાહેર સ્થળે લોકોની ભીડ થાય તો ગુનો નોંધવાની પણ ચેતવણી આપી છે.