ખેડા : કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ફાગણી પૂનમે ડાકોર મંદિર ભક્તોથી ઉભરાઈ ન જાય તે માટે મંદિર ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લા કલેક્ટર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઓનલાઈન દર્શન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં પૂનમ માટે ડાકોર આસપાસના રસ્તાઓ અગિયારસથી જ ઉભરાવવા લાગતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાંય લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે.
મંદિરના મહંતના જણાવ્યા અનુસાર ’ફાગણી પૂનમનો મેળા આ વર્ષે બંધ રાખવામાં આવ્યો છે. જેથી દરેકને નમ વિનંતી છે કે, ભગવાનના દર્શન ઓનલાઈન કરે. કોરોનાની મહામારી વધી રહી છે, ત્યારે મંદિર ખૂલ્યા બાદ પણ ડાકોર આવતા ભક્તો મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, મોઢા પર માસ્ક પહેરી રાખે તેમજ સેનિટાઈઝરનો ખાસ ઉપયોગ કરે. બંને ત્યાં સુધી ભીડ ન કરે અને ઓનલાઇન દર્શન કરે.’
ખેડા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જિલ્લા વહીવચીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ડાકોર મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમની ઉજવણી બંધ બારણે થવાની છે. મંદિર પ્રશાસન તરફથી સોશિયલ મીડિયા મારફતે બ્રોડકાસ્ટિંગ કરીને લોકોને સરળતાથી ભગવાનના દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ડાકોરના સ્થાનિકો મુજબ ગુરુવારે અગિયારસને દિવસે ૬૦૦૦૦ જેટલા ભક્તોએ મંદિરમાં આવીને દર્શનનો લાભ લીધો હતો. ફાગણી પૂનમે મંદિર બંધ હોવાથી ભારે ભીડ જોવા મળી હતી.