જમ્મુ : શોપિયાંમાં મોડી રાત્રે એક ભીષણ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાન શહીદ અને બે અન્ય ગંભીર ઘાયલ થયા હતા. જેમને એરલિફ્ટ કરી શ્રીનગર ખાતેની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. ઠાર મરાયેલા કેટલાક આતંકવાદીઓ અને તેમના સાથીદારો ઘેરામાં ફસાયેલા હોવાની સંભાવનાને પગલે સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળને ઘેરી લીધું હતું.
એન્કાઉન્ટરમાં શહીદ લશ્કરી જવાન ૩૪ આરઆર રેજીમેન્ટના પિંકુ કુમાર છે. અન્ય બે ઇજાગ્રસ્ત સૈનિકોની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવાયું છે. પિંકુ કુમાર છેલ્લા ૩૬ કલાકમાં ખીણમાં શહીદ થનારા ત્રીજા સુરક્ષા જવાન છે. ગુરુવારે મોડી સાંજે લેવેપોરામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા.
દરમિયાન કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સુરક્ષા દળનું ઓપરેશન ચાલુ છે. બંને તરફ ગોળીબારો ચાલુ છે.
જાન્યુઆરી ૨૦૨૧ પછીના દસ એન્કાઉન્ટરમાં ૨૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાંથી ૯ એન્કાઉન્ટર દક્ષિણમાં અને એક ઉત્તર કાશ્મીરમાં થયું હતું. માર્યા ગયેલા આતંકીઓમાંથી ૧૦ તો માત્ર શોપિયાંમાં જ ઠાર મરાયા હતા.. લશ્કરના કિંગપીન સજ્જાદ અફઘાનિ ૧૫ માર્ચે રાવલપોરામાં ત્રણ દિવસ ચાલેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેની પાસેથી એક અમેરિકન એમ ૪ રાઇફલ અને ચીની બનાવટની સ્ટીલની ૩૨ બુલેટ પણ મળી આવી હતી.