ન્યુ દિલ્હી : વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે સૌ કોઈ જાણે છે. જેને અનુસંધાને એપ છોડી જનાર યુઝર્સની સંખ્યા પણ વધી છે. ત્યારે હવે કંપની તરફથી એલર્ટ અપાઈ ચૂકી છે કે જો વોટ્સએપ યુઝર્સ ૧૫ મે પહેલા નવી પ્રાઈવસી પોલિસી નહીં અપનાવે, તો તેઓ મોબાઈલ પર વોટ્સએપ નહીં ચલાવી શકે. એટલે કે યુઝર પોલિસી નહીં સ્વીકારે તો મેસેજ, કોલ્સ, વિડીયોઝ, ફોટોઝ વગેરે સેન્ડ કે રિસીવ નહીં કરી શકે, ટૂંકમાં સેવા સદંતર રીતે બંધ થઈ જશે. ભારતમાં સૌથી વધુ યૂઝર્સ ધરાવતી લોકપ્રિય મેસેન્જર એપ વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલિસી અંગે ૨૦૨૧ના જાન્યુઆરી માસથી જ યુઝર્સને ચેતવ્યા હતા. જો કે, નિયમ અને શરતો અનુરૂપ નહીં હોતા કંપનીએ વિવાદ સામે નમતુ જોખી ૩ મહિના ટાળ્યા બાદ હવે ૧૫ મે બાદ આ નવી પ્રાઈવસી પોલિસી ન અપનાવનાર યુઝર એપ નહીં વાપરી શકે.
સોશિયલ મીડિયા જાયન્ટે આ વખતે પ્રાઈવસી પોલિસીના નોટિફિકેશનમાં માત્ર સ્વીકૃતીનો જ વિકલ્પ આપ્યો છે. કંપનીએ નોટિફિકેશનમાં નકારવાનો કોઈ વિકલ્પ જ ન આપીને તેની દાદાગીરી બતાવી છે. અર્થાત યુઝર પાસે માત્ર એક જ વિકલ્પ હશે અને તે હશે પોલિસી સ્વીકારવી. રિજેક્ટ કરવાનો વિકલ્પ આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, પ્રાઈવસી પોલિસી અંગે વોટ્સએપ દરરોજ પોતાના યૂઝર્સને નોટિફિકેશન આપી રહી છે. જેથી લાગે છે કે કંપની હવે આની અવધિ લંબાવવાના મુડમાં નથી. ઉલ્લેખનીય છે કે, ૧૫ મે અગાઉના એન્ડ્રોઈડ અને આઈફોનથી પોતાની ચેટ હિસ્ટ્રીને ડાઉનલોડ કરી શકો છો. ૧૨૦ દિવસ પછી ઈનએક્ટિવ એકાઉન્ટ્સની ચેટ હિસ્ટ્રી જેવાકે મેસેજ, કોલ્સ, વીડિયોઝ, ફોટોસ વગેરે ડિલીટ કરી દેવામાં આવશે.