ન્યુ દિલ્હી : ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ૈંસ્ડ્ઢ ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે ૨૫ મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે પારાદ્વીપ અને ધામરા માટે એલર્ટ જાહેર કરી દીધું છે.
તૌકતે વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા અને ૧૫૫-૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે સેનાએ યુદ્ધ જેવી તૈયારી કરી છે. નૌસેનાના ૪ જંગી જહાજો અને હેલિકોપ્ટરો જ્યારે વાયુસેનાના ૧૧ માલવાહક વિમાનો અને ચીતા, ચેતક તથા એમઆઈ-૧૭ જેવા ૨૫ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
તે સિવાય ૫ સી-૧૩૦ વિમાન, ૨ ડોર્નિયર વિમાન અને ૪ એએન-૩૨ વિમાનોએ પણ મોરચો સંભાળ્યો છે. ઉપરાંત એનડીઆરએફની ૭૦ જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે. તે પૈકીની ૪૬ ટીમો તો પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત ૫ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોડી, ઝાડ કાપવા માટેના, દૂરસંચાર માટેના ઉપકરણો વગેરેથી સજ્જ છે. તે સિવાય ૧૩ ટીમોને રવિવારે તૈનાતી માટે એરલિફ્ટ કરવામાં આવી રહી છે તથા ૧૦ ટીમોને સતર્ક અને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. યાસનો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રવિવારે વડાપ્રધાન મોદીને આ જાણકારી આપવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ વડાપ્રધાનને જણાવ્યું કે, ૧૫૫-૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકનારૂ યાસ ૨૬ મેની સાંજે ૧૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારાઓ સાથે અથડાઈ શકે છે. તેનાથી બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે બંગાળ અને ઓડિશાના તટીય ક્ષેત્રોમાં લગભગ ૨-૪ મીટર ઉંચુ તોફાન આવી શકે છે.