મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે પીપળાવ ગામે રૂા. ૧૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલ બસ સ્ટેન્ડનું ઇ લોકાર્પણ…
આશાપુરા માતા મંદિરના દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ માટે નૂતન બસ સ્ટેન્ડની સુવિધા ઉભી થઈ…
ગુજરાતમાં એસ. ટી. નિગમની સેવાઓ સુરક્ષિત અને સલામત બની રહી છે : મંત્રી કોશિકભાઇ પટેલ…
આણંદ : રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલા સૌની શ્રદ્ધાનું કેન્દ્ર એવા આશાપુરા માતા મંદિરે આવતા દર્શનાર્થીઓ અને શ્રધ્ધાળુઓ માટે રૂા. ૧૨૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આધુનિક એસ.ટી.બસ સ્ટેન્ડનું ગાંધીનગર ખતેથી ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી કુલ રૂા. ૪૩ કરોડ ના ખર્ચે તૈયાર થયેલા નવ નૂતન બસ સ્ટેન્ડનું લોકાપર્ણ અને પાંચ ડેપોનું ખાત મુહૂર્ત કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના પીપળાવ બસ સ્ટેન્ડનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એસ.ટી.નિગમની સેવાઓની સરાહના કરતા; જણાવ્યું હતું કે એસ.ટી. બસની સેવા એક સામાજિક સેવા છે. તે પછી ગ્રામિણ વિસ્તાર હોય, વિધાર્થી માટેની સેવા હોય, આપત્તિનો સમય હોય, કે ગરીબ પરિવારો માટે લગ્ન પ્રસંગ હોય એસ ટી.બસ હંમેશા સલામત સેવા આપી રહી છે.
પીપળાવ ગામે વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કોશિક ભાઈ પટેલે નૂતન બસ સ્ટેન્ડની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે એસ.ટી.નિગમ દ્વારા ગ્રામિણ વિસ્તારો હોય, મોટા શહેરો હોય કે તીર્થ સ્થળો હોય તમામ ક્ષેત્રે મુસાફરી કરતાં નાગરિકોને સલામત મુસાફરી એસ.ટી. બસ દ્વારા મળી રહે છે. તેમણે પીપળાવ ગામ અને આશાપુરી માતાના મંદિરના દર્શનાર્થે આવતાં દર્શનાર્થીઓ માટે આ નૂતન સુવિધા ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરતા જણાવ્યું કે ગુજરાત સરકારે કોરોના કાળમાં પણ લોકોની સેવા સાથે વિકાસની ગતિ પણ તેજ રાખી છે. તેમણે આજે પીપળાવ ગામને એક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ પ્રાપ્ત થતા પીપળાવ ગામની સુવિધામાં વધારો થયો હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલેએ મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલને સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબહેન પરમાર, અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, કાર્યકરો, ગ્રામજનો અને આણંદ નડિયાદ એસ.ટી. વિભાગ ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.