Charotar Sandesh
ઈન્ડિયા

પ.બંગાળમાં કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર મુખ્યમંત્રી મમતાના ફોટાથી ભાજપ લાલઘૂમ…

ટીએમસી એ માનવા તૈયાર જ નથી કે તે લોકો જ્યાં છે તે ભારતનું એક રાજ્ય છેઃ સમિક ભટ્ટાચાર્યા

ન્યુ દિલ્હી : કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્ય તરફથી યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવે.
થોડા મહિના પહેલા જ ટીએમસીએ વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીના ફોટોને લઈ ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી ત્યારે હવે મમતા સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. ૨૦૨૧ની બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસીએ આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી હતી. ટીએમસીએ વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીરને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
મમતા બેનર્જીએ અનેક વખત બધાને ફ્રીમાં વેક્સિન મળે તેવી માંગણી કરી છે. તેમણે વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીરને લઈ તેમની ટીકા પણ કરી હતી. જોકે ટીએમસીને લાગે છે કે વેક્સિનેશન સર્ટિફિકેટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર હોય તેમાં કશું ખોટું નથી. ટીએમસીના સૌગત રૉયે જણાવ્યું કે, આ પહેલા ભાજપવાળાએ કર્યું હતું અને જો તેઓ આવું કરી શકે તો અમે પણ એવું કરી શકીએ. તે આવું ન કરતા તો અમે પણ ન કરતા.
જોકે ટીએમસી સરકારના આ નિર્ણયથી ભાજપ રોષે ભરાયું છે. ભાજપના સીનિયર નેતા અને રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યાના કહેવા પ્રમાણે ટીએમસી વડાપ્રધાનના પદની ગરિમા નથી સ્વીકારી રહ્યું. ટીએમસી એક અલગ નિર્ભર દેશ જેવું વર્તન કરી રહી છે. ટીએમસી એ માનવા તૈયાર જ નથી કે તે લોકો જ્યાં છે તે ભારતનું એક રાજ્ય છે.

Related posts

રિટેલમાં ૨૦ અબજ ડોલરના રોકાણ માટે રિલાયન્સ-એમેઝોન વચ્ચે વાટાઘાટો શરૂ…

Charotar Sandesh

૨૮ વર્ષ બાદ સિસ્ટર અભયા હત્યા કેસમાં ચુકાદો, પાદરી અને નનને આજીવન કેદની સજા…

Charotar Sandesh

આજે ભારતીય જનતા પાર્ટીનો ૪૨મો સ્થાપના દિન : પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કાર્યકરોને આપ્યો મંત્ર

Charotar Sandesh