પહેલો વિસ્ફોટ ઈમારતની છત પર અને બીજો વિસ્ફોટ જમીન પર થયો…
જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં ડ્રોન હુમલાની ટેરર એન્ગલથી થશે તપાસ, NIA-NSG ટીમ પણ પહોંચી…
જમ્મુ : જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં મોડી રાત્રે ધમાકાનો અવાજ સંભળાયો, ત્યારબાદ ત્યાં ભાગદોડ મચી ગઈ. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. જાણકારી પ્રમાણે ઘટના રાત્રે લગભગ ૨ વાગ્યાની છે. કહેવામાં આવી રહ્યું છે કે અવાજ દૂર સુધી સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન એરફોર્સના સ્ટેશન હેડક્વાર્ટર અને તેની સાથે જ જમ્મુનું મેઇન એરપોર્ટ પણ આ પરિસરમાં આવે છે. અહીં ૫ મિનિટની અંદર ૨ બ્લાસ્ટ થયા. પહેલો બ્લાસ્ટ પરિસરની બિલ્ડિંગના ટેરેસ પર અને બીજો નીચે થયો. ઘટનામાં એરફોર્સના ૨ જનાનો ઘાયલ થયા છે.
સૂત્રો પ્રમાણે વિસ્ફોટ માટે ૨ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. હુમલાખોરો વિશે જાણકારી મળી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ધમાકાવાળા વિસ્તારમાં ઉભેલા એરક્રાફ્ટ તેમના નિશાના પર હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર થયેલી ઘટનાના સંબંધમાં વાઇસ એર ચીફ એર માર્શલ એચ.એસ. અરોરા સાથે વાત કરી. સંરક્ષણ મંત્રી કાર્યાલય પ્રમાણે એર માર્શલ વિક્રમ સિંહ સ્થિતિ વિશે જાણકારી માટે જમ્મુ પહોંચ્યા છે.
મોડી રાત્રે ધમાકા બાદ ત્યાં આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ છે. અત્યારે ઘટનાસ્થળ પર એરફોર્સ, આર્મી અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી પહોંચી ગયા છે. આ દરમિયાન જમ્મુમાં ત્રિકુટા નગર પોલીસ સ્ટેશન વેવ મૉલની પાસે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીનું નામ નદીમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેની ઉંમર ૨૦ વર્ષ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આંતકવાદી પાસેથી ૪ કિલો આઇઇડી મળી આવ્યું છે. જો કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ આતંકવાદી જમ્મુ એરપોર્ટવાળી ઘટના સાથે સંકળાયેલો છે કે નહીં.