Charotar Sandesh
ગુજરાત

પત્નીને ભરણપોષણની રકમ ન આપનાર પતિને કોર્ટે ૯ માસની સજા ફટાકારી…

સુરત : શહેરમાં એક પત્નીની ચાલાકી પતિને ભારે પડી છે. પત્નીએ બે વર્ષ અગાઉ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં પતિએ કોર્ટને કહ્યું, ‘હું કમાતો નથી.’ જોકે, આ વાતને પત્નીએ ખોટી ઠેરવી હતી અને આના પુરાવા તરીકે પત્નીએ વૈભવી જીવનના ફોટા બતાવ્યા હતા. જેથી કોર્ટે પતિને ૯ માસની સજા ફટકારી છે.
સુરતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ૨૦૧૮માં પતિએ કાઢી મુકતા અરજદાર પત્નીએ એડવોકેટ અશ્વિન જોગડિયા હસ્તક કોર્ટ કેસ કર્યો હતો. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હતો. અરજદાર પત્નીએ પતિની આવક બતાવીને કોર્ટ પાસે દર મહિને ભરણપોષણ પેટે ચઢેલી રકમના રૂપિયા ૮૦ હજાર માંગ્યા હતા. આ ઉપરાંત પતિએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોય અને ઘરેલું હિંસા આચરી હોય રૂપિયા ૨૦ લાખ ચૂકવી આપવા પણ અરજી કરી હતી.
જેથી કોર્ટે પતિને સમન્સ પાઠવ્યું હતું. જોકે ચાર સમન્સ મળવા છતાં પતિ કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો અને વકીલ થકી પોતે કમાતો ન હોવાનો જવાબ આપ્યો હતો.
જોકે, પત્નીએ પતિના સોશિયલ મીડિયામાં મુકાયેલાં ફોટા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં ઉન રોડ પરની હોટલના ઉદ્ધાટનનો ફોટો, આ જ રોડ પરની બીજી હોટલનો ફોટો, સિટીમાં આવેલી અન્ય એક હોટલની વિગત, પતિ પાસે રહેલી કાર અને સ્માર્ટ ફોન સહિતના ફોટો પુરાવા તરીકે બતાવ્યા હતા. જેના પગલે પતિ હાઇફાઇ લાઇફ જીવતો હોવાનું સાબિત થતું હતું. ઉપરાંત પત્નીએ પતિની ત્રણ હોટલો હોવાનું કહી મહિને રૂપિયા બે લાખ કમાતો હોવાની દલીલ કોર્ટ સમક્ષ કરી હતી.
પોલીસે આરોપી પતિને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો જેમાં દલીલો બાદ પતિને નવ માસની સજાનો હુકમ કરાયો હતો. ઉપરાંત પત્ની અને બે બાળકો માટે રૂપિયા ૧૪,૫૦૦ ભરણપોષણ પેટે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.
એડવોકેટ અશ્વિન જોગડિયાએ કહ્યું કે, કોર્ટે પોતાના હુકમમાં પતિને પત્નીનું સ્ત્રીધન સોંપી દેવા, પત્ની અને બાળકો પર કોઈપણ જાતનો અત્યાચાર ન ગુજારવા, મકાનનું ભાડું, લાઇટબિલ સહિતની રકમ ભરી દેવા જણાવ્યું હતુ.

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગ્રાન્ટેડ માધ્યમિક વિભાગ) – સુરેન્દ્રનગર જિલ્લા ટીમની વરણી કરાઇ

Charotar Sandesh

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, બિલ અંગે સરકાર ગેરસમજો દૂર કરેઃ આઈ કે જાડેજા

Charotar Sandesh

આજથી ગુજરાત હાઇકોર્ટની ઓનલાઇન કામગીરી કરાઈ શરૂ

Charotar Sandesh