નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર ચાલશે : મોદી
વડાપ્રધાને ગાંધીનગરમાં આવેલ રેલ્વે સ્ટેશન,૫ સ્ટાર હોટલ અને અમદાવાદ ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરીનું લોકાર્પણ કર્યું
વડનગરથી વારાણસી સુપરફાસ્ટ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા ૫ સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું છે. PM મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ પ્રસંગે દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજ્યના ચિફ સેકેટરી અનિલ મુકિમ તેમજ દર્શનાબેન જરદોશ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં.
ગરીબ અને અમીર વચ્ચેની ભેદરેખાને ભાંગશે ગાંધીનગર રેલવે સ્ટેશન, દેશનો દરેક નાગરિક વીવીઆઇ છે, સાબરમતીના કેવા હાલ હતા એ કોણ ભૂલી શકે છે, આજે ત્યાં સી-પ્લેન ઉપલબ્ધ છે
પીએમે પોતાના ભાષણની શરુઆત કરતા ગુજરાતીમાં ’બધા મજામાં..’થી કરી હતી. પીએમે ગાંધીનગરથી જ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ તમામ સ્થળોને નિહાળવા માટે ઉત્સુક છે.
પીએમે જણાવ્યું હતું કે, સારા જાહેર સ્થળો ખૂબ જ જરુરી છે, જેના વિશે ભૂતકાળમાં કોઈ વિચાર નહોતો થયો. ભૂતકાળમાં શહેરી આયોજનને લક્ઝરી માનવામાં આવતું હતું, જેના કારણે લોકોને સારી જાહેર જગ્યાઓથી વંચિત રહેવું પડતું હતું. સાબરમતી નદીનો ખાસ ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે પહેલા સાબરમતી કેવી હતી તે કોઈ ભૂલી શકે તેમ નથી. પરંતુ હવે રિવરફ્રંટ, પાર્ક તેમજ સી-પ્લેનથી તેનું સ્વરુપ જ બદલાઈ ગયું છે. તેવું જ કાંકરિયા વિશે પણ કહી શકાય.
સાયન્સ સિટી વિશે પીએમે જણાવ્યું હતું કે રોબોટ્સ અને ડાયનોસોરના રમકડાં માગતા બાળકો હવે તેમને સાયન્સ સિટીમાં જોઈને રાજી થશે. તેની એક્વેટિક ગેલેરી એશિયાના સૌથી ટોચના એક્વેરિયમમાં સામેલ છે. સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી જોઈને વિદ્યાર્થીઓ રોબોટિક્સનો અભ્યાસ કરવા માટે પ્રેરાશે. પીએમે જણાવ્યું હતું કે જ્યારે તેમણે રોબોટિક્સ ગેલેરીના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આ સ્થળ ભારતમાં આવેલું છે. તેમણે સ્ટૂડન્ટ્સને તેની મુલાકાત લેવા ખાસ અપીલ કરી હતી અને સ્કૂલોને પણ વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવા જણાવ્યું હતું.
Other News : અમદાવાદમાં ઓવૈસીની પાર્ટીએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો