આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે પેટલાદની સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ વિભાગનું ઇ-લોકાર્પણ
આણંદ : રાજયના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે વડનગર ખાતેથી અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારએ દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” આજે વિધિવત ઇ-લોકાર્પણ કર્યું હતું. તે અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતેના ડાયાલિસિસ વિભાગનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેના ડાયાલિસિસ વિભાગની તકતીનું પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલે સિવિલ સર્જન ડૉ. નિર્મિત કુબાવત, આર.એમ.ઓ. ડૉ. રાજેશ ઠકકર અને તબીબોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું.
રાજયના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસ કેન્દ્રોના રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કિડની સંબંધિત બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને ૩૦ થી ૪૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાવવામાં આવ્યો છે.
આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમાં ૬૧ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં આજે નવીન ૩૧ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા ૯૨ થઇ હોવાનું જણાવી આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
Other News : યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી આણંદના બે વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ પરત આવ્યાં