આણંદના બિલ્ડરે રૂા.૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ૧ લાખમાં ખરીદી હોવાનો થયો ઘટસ્ફોટ, ધરપકડ
સુરત : ભારતમાં આશરે ૩૦૦ કરોડનું નકલી નોટોનું રેકેટ સામે આવ્યું છે, જેની તપાસમાં નકલી નોટોનો રેલો ગુજરાત, મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યો છે, ગુજરાતમાં સુરતના કામરેજ ખાતેથી પકડાયેલી ૧૦૦ કરોડની રૂપિયા બે હજારના દરની નકલી ચલણી નોટના પ્રકરણનો રેલો આણંદ સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવમાં સુરત ક્રાઈમ પોલીસે આણંદના પાલિકા નગર સ્થિત સી – ૩માં રહેતાં ૪૯ વર્ષીય વિપુલ હરીશ પટેલની અટકાયત કરી છે, તેની પૂછપરછ હાથ ધરાઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ શખસે કબુલાત કરતાં રૂપિયા એક લાખમાં ૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હોવાનું જણાવેલ હતું, જેને લઈ તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કર્યો છે.
વધુમાં, સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર એવા રાજકોટના હિતેષ પરસોત્તમ કોટળીયાના ભાઈના સંપર્કમાં વિપુલ પટેલ આવેલ, છેલ્લાં એક વર્ષથી તેઓ એકબીજાને ઓળખતાં થયા હતા. બિલ્ડર વિપુલ પટેલ મૂળ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે, હિતેષે બનાવટી ચલણી નોટ બનાવી હોવાનું તેના ધ્યાને આવતાં જ તેણે ઘટના બની તેના ૧૫થી ૨૦ દિવસ અગાઉ રૂપિયા એક લાખમાં તેની પાસેથી ૧૫ કરોડની બનાવટી ચલણી નોટ ખરીદી હતી, આ ચલણી નોટો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો ન હોવાનો જણાવેલ છે, તેમ છતાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. બિલ્ડરના ઘરની તલાસી લેતાં બિલ્ડરના પુત્રએ રૂપિયા ૧૧.૪૦ કરોડ પોલીસને સોંપ્યા હતા, જે પોલીસે હાલ રિકવર કરેલ છે અને બાકીની બનાવટી ચલણ નોટો તેણે નદીના પાણીમાં વહાવી દીધા હોવાનું જણાવી રહ્યો છે.
હાલમાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરવાની કવાયત હાથ ધરાઈ છે
વધુમાં સુરત શહેરના કામરેજ પોલીસે જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામેથી સ્ટીલની ૧૯ પેટીમાં ઘાસ નીચેથી સંતાડેલી રૂપિયા ૧૦૦ કરોડની ડુપ્લીકેટ નોટનો જથ્થો ઝપ્ત કર્યો છે, પોલીસે અત્યાર સુધી આણંદના એક શખસ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે.
Other News : નવરાત્રિમાં કોમી છમકલું : આઠમના ગરબામાં ૧૫૦ જેટલા લઘુમતિ સમાજના લોકોએ કર્યો પથ્થરમારો, જુઓ વિગત