બિન અધિકૃત ઈમેલ અથવા કોન્ટેક્ટ લીસ્ટમાંથી આવતો ઇમેલમાં કોઈ પણ કોરોના વાયરસ અંગેની લિંક પર ક્લિક કરશો નહિ : આરોગ્ય મંત્રાલયના નામે આવી શકે છે ઇમેઇલ…
દિલ્હી : સરકારે ચેતવણી આપી છે કે, ચીન ભારત પર સાયબર એટેક કરી શકે છે. સરકારે કહ્યું છે કે કોરોના વાઈરસના ફ્રી ટેસ્ટ અંગે આવતા ઈ-મેઇલ ખોલવા નહિ, આરોગ્ય મંત્રાલયના નામે ઇમેઇલ આવી શકે છે.
સીમા પર તંગદિલી બાદ ચીન નવી ચાલ ચલાવાની તૈયારી કરી રહ્યું છે. સાયબર ઈન્ટેલિજન્સ પર કામ કરનારી ફર્મ Cyfirmaના જણાવ્યા મુજબ, ચીન સાથે સંકળાયેલા મોટા હેકર્સના ગ્રુપ ભારતીય કંપનીઓ અને મીડિયા હાઉસ પર સાઈબર હુમલો કરી શકે છે.
આ ઉપરાંત ભારતમાં કૉમ્પ્યુટર સિક્યોરિટી પર કામ કરનારી નોડલ એજન્સી કૉમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ (CERT) ટીમ એ પણ દેશના નાગરિકો માટે આ મામલે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, “ભારતમાં 21-જૂને યોજનાબદ્ધ રીતે દેશભરમાં ફિશિંગ એટેક થઈ શકે છે. જેમાં ફેક આઈડી મારફતે તમને કોઈ ઈ-મેઈલ મળશે. જો એ ઈ-મેઈલ ખોલશો અને તેમાં આપેલી કોઈ લિન્ક પર ક્લિક કરશો સાયબર એટેકનો શિકાર થઈ શકો છો.
આ એટેકર્સ દાવા કરી રહ્યાં છે કે, તેમની પાસે 20 લાખ લોકોના ઈ-મેઈલ આઈડી છે. ખાસ કરીને સરકારી કાર્યાલયો, સરકારી વિભાગો, ટ્રેડ એસોશિએશનને ટાર્ગેટ કરી શકે છે. Cyfirmaએ CERTને જણાવ્યું છે કે, અનેક કંપનીઓના નામ લિસ્ટમાં સામેલ છે. જેના પર સાઈબર એટેક થઈ શકે છે.
આ એટેકર્સ Free Covid 19 Testના નામે મેઈલ મોકલી શકે છે. આ સાથે જ જે ઈ-મેઈલ આઈ ડીથી મેઈલ મળશે, તે દેખવામાં કંઈક સરકારી ઈ-મેઈલ આઈડી જેવો દેખાઈ શકે છે. જેમ કે, @’ncov2019gov.in.
સાઈબર એટેકથી બચવા અજાણ્યા ઈ-મેઈલ એટેચમેન્ટને ખોલશો જ નહીં. મેઈલમાં જો કોઈ URL આપવામાં આવ્યું છે, તો તેના ઉપર પણ ક્લિક ના કરશો. જો URL યોગ્ય લાગે તો પણ, મેઈલમાંથી નીકળીને, બ્રાઉઝરથી સર્ચ કરીને વેબસાઈટ પર જાઓ. જે મેઈલ પર શંકા થાય, તેને ડિલીટ કરી દો અને એ મેઈલ આઈડીને બ્લોક કરી દો. તમારા ઈ-મેઈલને એનક્રિપ્ટ કરો, સાથી યુઝર્સને પણ મેઈલ એનક્રિપ્ટ કરવા માટે જણાવો. મેઈલ ઓપન કરતા સમયે સાવધાની રાખો. ભલે તમે યુઝર્સને ઓળખતા કેમ ના હોવ? છતાં સતર્ક રહો.
ફિશિંગ માટે ઉપયોગમાં થનારા ડોમનેનું ખાસ ધ્યાન રાખો. જેને મળતા હોય તેવા સ્પેલિંગ, સ્પેલિંગમાં ગરબડ પર ચાંપતી નજર રાખો. આવા મેઈલને ઓપન કરવા નહીં. તમારા સ્પામ ફિલ્ટરને અપડેટ કરો અને સ્પામ મેઈલને અપડેટ કરો, કોઈપણ શંકાની સ્થિતિમાં incident@cert-in.org.in પર જઈને રિપોર્ટ કરી શકો છો. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં સાયબર એટેક થયો હતો. ત્યારે ત્યાંના વડાપ્રધાને પણ નાગરિકોને સાવધ રહેવા કહ્યું હતું.