વાસદ પોલીસ તાબેના રાજુપુરા ગામે ચોરીનો બનાવ બન્યો છે
આણંદ : જિલ્લામાં શિયાળાની સિઝનમાં તસ્કરો એક્ટિવ થયા છે, ત્યારે વાસદ પોલીસ તાબેના રાજુપુરા ગામે ચોરીનો બનાવ બન્યો છે. રાજુપુરા ગામે રહેતું દંપતી બે દિવસ પહેલા લોકરક્ષક માટે દોડની પરીક્ષા આપવા ગયું હતું. તે દરમિયાન તેમના બંધ મકાન પર ત્રાટકેલા તસ્કરોએ દાગીના, રોકડ સહિત કુલ રૂ.૧.૯૧ લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુપુરા ગામે રહેતાં પ્રવિણભાઈ રતીલાલ પરમાર ઉ.વ.૩૦ વડોદરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમના પરિવારમાં પત્ની તથા બે સંતાનો છે. પ્રવિણભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબહેન એલઆરડીની પરીક્ષાની તૈયારી કરે છે, જે સંદર્ભે ૨૧મી જાન્યુઆરી,૨૨ના રોજ ફીઝીકલ દોડની પરીક્ષા માટે પ્રવિણભાઈ મહેસાણા અને તેમના પત્ની ગાંધીનગર ગયાં હતાં. પ્રવિણભાઈ મહેસાણા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. જ્યારે તેમના પત્ની ગાંધીનગર રોકાયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાન પર તસ્કરોની નજર પડતાં મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી, તિજોરીમાંથી સામાન વેર વિખેર કરી તેમાંથી દાગીના અને રોકડ રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૧.૯૧ લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં.
આ અંગે જાણ થતાં પ્રવિણભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબહેન તુરંત રાજુપુરા પહોંચ્યાં હતાં. ઘર હાલત જોઇ તેઓ પણ ચોંકી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Other News : કાળા કાચ લગાવી પુયીસી વગરની કાર ફેરવવી પોલિસકર્મીને ભારે પડી : જાગૃત નાગરિકે કાયદાનું ભાન કરાવ્યું