અમેરિકામાં સ્કૂલો ખૂલતાં જ છેલ્લા સાત દિવસમાં ૨.૫૦ લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં
USA : અમેરિકામાં કોરોનાની સ્થિતિ વકરતાં પ્રમુખ બાઈડેને કોરોના સામેની લડાઈમાં બાકીના અમરિકનોને પણ રસી લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ માટે રસી લેવાનું ફરજિયાત કરાયું છે. વધુમાં ૧૦૦થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓના કર્મચારીઓ માટે પણ રસી લેવાનું ફરજિયાત કરાયું છે.
કર્મચારીઓને રસી લેવા માટે ૭૫ દિવસનો સમય અપાયો છે. આ સમયમાં તેઓ રસી નહીં લે તો તેમણે નોકરી ગુમાવવી પડી શકે છે. અન્યથા દર સપ્તાહે તેમની કોરોના તપાસ થશે. વિમાનમાં પ્રવાસ દરમિયાન યોગ્ય રીતે માસ્ક નહીં પહેરનારા પર દંડ બમણો કરી દેવાયો છે. વર્તમાન દંડ ૨૫૦થી ૧૫૦૦ ડોલરનો છે, જે વધારીને ૩,૦૦૦ ડોલર સુધીનો કરાયો છે. ખાનગી કંપનીના કર્મચારીઓ માટે પણ રસી ફરજિયાત કરાઈ છે. રસી નહીં લેનારા કર્મચારીઓને ૧૪,૦૦૦ ડોલરનો દંડ કરવાની જોગવાઈ કરાઈ છે.
અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઊંચકતા કેટલાક દિવસથી દૈનિક સરેરાશ દોઢ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને અંદાજે ૧,૫૦૦ લોકો મોતને ભેટી રહ્યા છે
એવામાં અમેરિકા ફરી પાછું કોરોનાની ભયાનક સ્થિતિમાં પહોંચી ગયું છે. વધુમાં અમેરિકામાં સ્કૂલો ખૂલતાં જ છેલ્લા સાત દિવસમાં ૨.૫૦ લાખથી વધુ બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એક સમયે કોરોનાના કેસ ઘટતાં નિયંત્રણોમાં ભારે છૂટછાટ આપનારા બાઈડેન તંત્રે નવા નિયંત્રણોની જાહેરાત કરવી પડી છે, જેમાં રસીકરણ અને માસ્કને ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે. અમેરિકામાં કોરોનાના નવા ૧.૬૦ લાખથી વધુ કેસ આવ્યા હતા અને વધુ ૨,૦૦૦ જેટલા લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૪.૧૫ કરોડને પાર થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને ૯૧.૪૧ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૬.૭૪ લાખથી વધુ થયો છે.
Other News : અમેરિકામાં થયેલા ફાયરિંગમાં ૬ લોકો થયા ઘાયલ : ૩ શંકાસ્પદ ફરાર