પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ 5 થી 7 વાહનોમાં તોડફોડ…
બે લોકોને ઇજા થયાના અહેવાલ : 5 થી 7 વાહનોમાં તોડફોડ થઈ : કાળા વાવટા ફરકાવાયા…
વિસાવદર : ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં જ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે કમર કસી છે. જેનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના નામી ચહેરાઓ ‘આપ’માં જોડાતા આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી એન્ટ્રી કરનાર નેતાઓ ગુજરાતના પ્રવાસે નીકળી ગયા છે. તેવાં વિસાવદરના લેરિયામાં ‘આપ’ના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી ઉપર હુમલો થયો હોવાની જાણકારી મળી રહી છે. અહીં પોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વો પથ્થરમારો કરવામાં સફળ રહ્યા હતા, જેમાં બે લોકોને ઇજા થયાના અહેવાલો મળી રહ્યા છે. બનાવમાં 5 થી 7 વાહનોમાં તોડફોડ થઈ છે. તોફાની તત્વોએ પહેલા કાળા વાવટા ફરકાવ્યા હતા અને પછી પથ્થરમારો કર્યો હતો.
વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.