નવી દિલ્હી : ભારતે ચીનને એલએસી પર વારંવાર તેના વલણમાં ફેરફાર નહીં કરવા અને સરહદીય બાબતોની સમસ્યાને વધુ જટીલ નહીં બનાવવા જણાવ્યું છે. પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદિલી પછી ભારત સતત ચીનને સરહદો નિશ્ચિત કરવાની સમસ્યાનો ઉકેલ લાવવા અલગ અલગ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરી તેને વળગી રહેવા દબાણ કરી રહ્યું છે.
હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી રોકવા માટે અમેરિકામાં ક્વાડ જૂથના પ્રમુખો, વડાપ્રધાનોની પહેલી વ્યક્તિગત બેઠક યોજાયાના બીજા જ દિવસે ચીને તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું છે
પૂર્વીય લદ્દાખમાં એલએસી પરથી પોત-પોતાના સૈનિકો પાછા લેવા મુદ્દે ભારત-ચીન વચ્ચે સમજૂતી થવા છતાં ચીને પોતાના સૈનિકો પાછા ખેંચવાના બદલે ઉલટાનું એલએસી પર ૫૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને ભારતીય જવાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.
સત્તાવાર સૂત્રો મુજબ ચીનનું સૈન્ય મોટાભાગે દોલત બેગ ઓલ્ડી સેક્ટર, ગોગરા હાઈટ્સ અને અન્ય કેટલીક જગ્યાઓ પર ડ્રોનથી ભારતીય જવાનોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે. વધુમાં તેણે પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ૫૦,૦૦૦ સૈનિકો ગોઠવ્યા છે. ચીનની આ બધી ગતિવિધિઓ પર ભારતીય સૈન્ય પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારતીય સૈન્ય પણ ચીનના સામના માટે ખૂબ જ સાવધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનના ડ્રોન પર નજર રાખવા માટે ભારત તેની એસેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. લદ્દાખનું ચોખ્ખું આકાશ અને ઊંચા શીખરો પર તૈનાત ભારતીય જવાનો ચીનના ડ્રોન પર નજર રાખી રહ્યા છે.
વધુમાં ભારત પણ અહીં મોટાપાયે ડ્રોન તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે ટૂંક સમયમાં જ ભારત એલએસી પર નવા ઈઝરાયેલી અને ભારતીય ડ્રોન નિયુક્ત કરશે. આ ડ્રોનને સરહદ પર ચીનના પડકારોનો સામનો કરવા માટે ઈમર્જન્સી નાણાકીય પાવરનો ઉપયોગ કરીને સંરક્ષણ દળો દ્વારા ખરીદવામાં આવ્યા છે. એલએસી પરની સ્થિતિનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ કહ્યું કે હવે બંને દેશના સૈન્યો વચ્ચે ફ્રિક્શન પોઈન્ટની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે.
Other News : IT-GSTના રિટર્નમાં આવક ઓછી બતાવનારને નોટિસ