રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આણંદ જિલ્લાના વેપાર-ઉદ્યોગ જગતને ઓડ ઔદ્યોગિક વસાહતનો લાભ લઇને રાજયના વિકાસમાં યોગદાન આપવા મુખ્ય મંત્રીશ્રીનો અનુરોધ
થામણા-ખીજલપુર પાસે શેઢી નદી પર રૂા. ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થનાર પુલનું ઇ-ખાતમુહૂર્ત
ઓડ નગરપાલિકાના રૂા. ૮૪૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ
આણંદ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજયની ઔદ્યોગિક વસાહતો, જી.આઈ.ડી.સી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટેના આધારસ્તંભ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં અંદાજે ૨૨૪ જેટલી ઔદ્યોગિક વસાહતોમાં ૭૦ હજાર જેટલા MSME અને મોટા ઉદ્યોગો કાર્યરત છે, આ ઉદ્યોગો અને તેમાં કાર્યરત સેંકડો કુશળ લોકોની આવડતથી ગુજરાત દેશનું મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ્ડ સ્ટેટ, મેન્યૂફેકચરીંગ હબ, ઓટો હબ, ફાર્મા હબ બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે આણંદ જિલ્લાના ઓડ ખાતે ૩૩ હેક્ટરમાં સ્થપાનારી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની ૨૨૫ મી અને આણંદ જિલ્લાની ૮ મી નવી ઔદ્યોગિક વસાહતનું ભૂમિપૂજન કર્યું હતુ. મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છ અને સુંદર ઓડ માટે જરૂરી રૂ.૮૪૫.૨૨ લાખના ખર્ચે સ્થાપિત ૨.૫ લિટર ક્ષમતાના મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઈ- લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા. ૩ કરોડથી વધુ રકમના ખર્ચે શેઢી નદી પર નિર્માણ પામનારા નવા પુલના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયના કુલ વીજ પુરવઠાનો ૪૦ ટકા ફાળો રિન્યુએબલ સ્ત્રોતમાંથી આવે છે. જયારે ભારતના જી.ડી.પી.માં ગુજરાતનો હિસ્સો ૮ ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાતનો હિસ્સો ૧૭ ટકા છે. ગુજરાતની ઔદ્યોગિક વિકાસની યાત્રાને વધુ વિસ્તારવા આ વર્ષના બજેટમાં રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગને અંદાજે રૂા. ૭ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતુ કે, રાજયમાં પાંચ સ્થળોએ એગ્રો ફુડ પાર્ક અને પાંચ સી-ફૂડ પાર્ક, મોરબીમાં ઇન્ટરનેશનલ સીરામીક પાર્ક જેવી જોગવાઇઓ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને નવું બળ આપશે.
Other News : આગામી પાંચ વર્ષમાં જાપાન ૩.૨ લાખ કરોડનું રોકાણ કરશે : વડાપ્રધાન મોદી