નાગરિકોને નગરપાલિકા કચેરી ખાતેથી વિવિધ સાઈઝના તિરંગા રૂ.૨૫ અને રૂ.૧૮ ની કિંમતે ઉપલબ્ધ થશે
આણંદ : ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થવાની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. ૧૩ થી તા.૧૫ મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વડોદરા ઝોનમાં સમાવિષ્ટ ૨૬ નગરપાલિકાઓમાં ૧,૪૮,૫૦૦ જેટલા વિવિધ સાઈઝના તિરંગાની ફાળવણી કરવામાં આવી છે. વડોદરા ઝોનને 20″*30″ સાઇઝના ૯૯,૦૦૦ તથા 16″*24″ સાઇઝના ૪૯,૫૦૦ મળી કુલ ૧,૪૮,૫૦૦ તિરંગાની ફાળવણી કરવામાં આવી છે.
ઝોનની તમામ નગરપાલિકા ઉપર સ્ટોલ રાખી તિરંગાનું વેચાણ સહ વિતરણ કરવાનું રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ વિગતો આપતા આર.સી.એમ કચેરીના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું કે દરેક નગરપાલિકાને તિરંગાની ફાળવણી કરી 20″*30″ સાઇઝના રૂ.૨૫/- તથા 16″*24″ સાઇઝના રૂ.૧૮/- ના નજીવા દરે નાગરિકોને દરેક નગરપાલિકા કચેરીથી વિતરણ કરવામાં આવશે.
આણંદ જિલ્લાની આણંદ નગરપાલિકાને ૨૨,૦૦૦, આંકલાવને ર,૦૦૦, બોરિયાવીને ૨,૦૦૦, બોરસદને ૭,૫૦૦, કરમસદને ૪,૫૦૦, ખંભાતને ૯,૦૦૦, ઓડને ૨,૦૦૦, પેટલાદને ૭,૫૦૦, સોજિત્રાને ૨,૦૦૦, ઉમરેઠને ૪,૫૦૦ અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકાને ૨,૫૦૦ મળી ૧૧ નગરપાલિકાઓને કુલ ૬૫,૫૦૦ જેટલા બંને સાઈઝના તિરંગા ફાળવવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઝોનની દરેક નગરપાલિકાઓની મિલકતો સહિત મહત્તમ નાગરિકોને તિરંગો ફરકાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Other News : દેશમાં મંકીપોક્સથી ૨૨ વર્ષના યુવકનું મોત : તે સંયુક્ત અરબ અમીરાતથી પરત ફર્યો હતો