અમદાવાદ : આગામી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.
ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે
માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? કઇ બેઠકો ગુમાવવી પડશે? હાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. જેમાં વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદીની ટિકીટ ફાળવણી માટે ૧૫ પૈસાનો ભાવ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા પર માત્ર પાંચ પૈસા, હર્ષ સંધવીની શક્યતા ૪૫ પૈસા, રાજકોટમાં મોટાભાગના હાલના ધારાસભ્યો પર વધુ ૨૦ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. ગોંડલની બેઠક પર રાજકીય વિવાદને કારણે ત્યાંનો સટ્ટો બુકીઓ ટાળી રહ્યા છે.
જો કે કોંગ્રેસના ઉમેદવારો પર સટ્ટોડિયાઓ નાણાં લગાવવાનું ટાળી રહ્યા છે.અમદાવાદ સ્થિત બુકીએ જણાવ્યું કે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બેઠકોની જીતની સંભાવના પર સટ્ટો ખોલવામાં આવશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૈકી કઇ પાર્ટીને કેટલી બેઠકો પર જીત મળી શકે છે? તેના પર સટ્ટો રમાશે. સામાન્ય રીતે ક્રિકેટ પર ચાલતા સટ્ટાની સાથે જ આ સટ્ટાની લાઇન ખોલવામાં આવી છે.
Other News : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ઉપર લિક્વીડ નાખવાનો પ્રયાસ : પોલીસે આરોપીની અટકાયત કરી