પરિવાર ઉછીના નાણાં ચુકવવા માટે બેંક લોકરમાંથી પોતાના દાગીના લાગ્યા હતા
આણંદ : જિલ્લાના પેટલાદ શહેરમાં યોગીવીલા સોસાયટીમાં નીતીનભાઈ અરજણભાઈ વાઘમસી (આહીર) રહે છે. તેઓ પાનના ગલ્લા પર નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે. ગત ૧૩મીએ તેઓ પરિવાર સાથે માનતા હોય પીપળી ગામે ગયા હતા. દરમિયાન તેમણે તેમના સાળાને બીજા દિવસે ઘરે સુવા માટે મોકલ્યો હતો. એ સમયે તેમનો સાળો ઘરે જતાં જ ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોતાં ચોંકી ઉઠ્યો હતો. તેણે આ મામલે નીતિનભાઈને જાણ કરી હતી.
દરમિયાન, તેઓ તાબડતોડ ઘરે આવી પહોંચ્યા હતા અને તપાસ કરતાં તેમના ઘરમાંથી ત્રણ નંગ સોનાની ચેન, સોનાનું બ્રેસલેટ, બે નંગ ચાંદીના પાયલ મળી કુલ રૂપિયા ૧.૬૪ લાખની મત્તાના દાગીનો તસ્કરો ચોરી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલાં જ તેમણે વિસ્તારમાં મકાન લીધું હતું. ડાઉન પેમેન્ટ સહિતના અન્ય ખર્ચા માટે તેમણે જે વ્યક્તિઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા તેમને પરત ચૂકવવા માટે તેમણે બેંક લોકરમાંથી વીસ દિવસ પહેલાં ગોલ્ડ લઈ તેના પર લોન લેવાનું વિચારતા હતા.
જોકે, તેઓ લોન મેળવે તે પહેલાં જ તસ્કરો ચોરી ગયા હતા. આ મામલે પેટલાદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે પેટલાદ શહેરમાં પરિવાર માનતા માનવા માટે બહારગામ ગયો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રૂપિયા ૧.૬૪ લાખની મત્તાના દાગીનાની ચોરી કરી હતી.
રસપ્રદ બાબત તો એ છે કે, યુવકે એક મહિના પહેલાં જ વિસ્તારમાં મકાન લીધું હતું અને મકાન પેટે તેણે જે વ્યક્તિઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા તેમને પરત આપવા માટે વીસેક દિવસ પહેલાં બેંક લોકરમાંથી ગોલ્ડ લાવ્યો હતો. ગોલ્ડ જ તસ્કરો ચોરી ગયા હતા. જેને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Other News : ગ્રામપંચાયતની ચુંટણીને લઈ જવાબદારીપુર્વક મતદાન કરવા કલેક્ટર એમ.વાય.દક્ષિણીની અપીલ