વડાપ્રધાને દેશવાસીઓને અમૃત મહોત્સવમાં જોડાવા વિનંતી કરી…
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ એક અલગ જ અંદાજમાં કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, મોટા ભાગે ‘મન કી બાત’માં તમારા પ્રશ્નોની વણઝાર જોવા મળે છે પરંતુ આ વખતે મેં વિચાર્યું કે કશુંક અલગ કરવામાં આવે. હું તમને સવાલ કરૂં.’ વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો કે, ઓલમ્પિકમાં ઈન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય કોણ હતો? કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધારે મેડલ જીત્યા છે? કયા ખેલાડીએ સૌથી વધારે પદક જીત્યા છે? તેમણે ટોક્યો ઓલમ્પિકના બહાને મહાન એથલીટ મિલ્ખા સિંહને યાદ કર્યા હતા.
વડાપ્રધાને તાજેતરમાં બનેલા એક જ દિવસના સર્વાધિક વેક્સિનેશન રેકોર્ડ અંગે ચર્ચા કરી હતી તથા મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના એક ગ્રામીણ સાથે વાત કરીને વેક્સિનેશન અંગે સવાલ કર્યો હતો. તે વ્યક્તિએ વેક્સિન નથી લીધી તેમ જાણ્યા બાદ વડાપ્રધાને મેં અને મારી માતાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તમે પણ વેક્સિન લઈ લો તેમ કહ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, જો કોઈ એમ કહેતું હોય કે, કોરોના જતો રહ્યો છે તો એવા ભ્રમમાં ન રહેતા, તે એક બહુરૂપી બીમારી છે. વડાપ્રધાને જણાવ્યું કે, કોરોનાથી બચવાના ૨ રસ્તા છે. એક તો વેક્સિન લઈ આવો અને બીજું માસ્ક પહેરો, અન્ય પ્રોટોકોલનું પાલન કરો. તેમણે તમામ ગ્રામીણોને વેક્સિન લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાને જળ સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી તથા ઉત્તરાખંડના પૌડી ગઢવાલ ખાતેના શિક્ષક ભારતીની પ્રશંસા કરી તેમનામાંથી પ્રેરણા લેવા કહ્યું હતું.