આણંદ : છેલ્લા બે દિવસથી સર્જાયેલા લો પ્રેશરને લઈને વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે તો આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં કેટલાય નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. આણંદ, સોજીત્રા પેટલાદમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
છેલ્લાં કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા અસહ્ય બાફ અને ઉકળાટને પગલે-પગલે બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાવા પામ્યું હતુ અને ગઈકાલે તો બપોરના બે વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. એકાએક આકાશમાં ઘસી આવેલા કાળા ડીબાંગ વાદળોએ વરસવાનું શરૂ કરી દેતાં જનજીવન જ્યાં ત્યાં અટકી જવા પામ્યું હતુ. સતત બે કલાક સુધી એકી જ ધારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ સાંજના સુમારે થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો અને રાત્રી દરમ્યાન પણ ધોધમાર પડ્યો હતો.
જેમાં આવતીકાલે એટલે કે બુધવારના રોજ આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે પગલે આણંદ જિલ્લાના ચાર તાલુકામાં સો ટકાથી વધુનો વરસાદ વરસી ચુક્યો છે
એકમાત્ર ઉમરેઠમાં સૌથી ઓછો ૬૯.૭૧ ટકા જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદમાં ૧૧૦.૦૬, સોજીત્રામાં ૯૪.૩૭, પેટલાદમાં ૧૦૬.૩૦, બોરસદમાં ૧૦૮.૨૬, તારાપુરમાં ૧૦૫.૯૯, ખંભાતમાં ૮૯.૮૭ અને આંકલાવમાં ૮૦ ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. હજી ભાદરવો મહિનાને ૧૫ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે અન્ય તાલુકામાં પણ સો ટકાથી વધુનો વરસાદ પડી જશે તેમ કહેવાઈ રહ્યું છે.
Other News : આ વર્ષે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે ! હવામાન વિભાગ દ્વારા કરાઈ આ આગાહી