આજની યુવા પેઢીને માતા-પિતાની આશા-અપેક્ષાઓ પૂરી કરવાનો અનુરોધ કરતાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ
આણંદ : રાજયના ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણએ સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ યુવક મહોત્સવના સમાપન પ્રસંગે આજની યુવા પેઢીને માતા-પિતાએ તેમની પાસે જે આશા-અપેક્ષાઓ રાખી છે તે પૂરી કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં યુવાનોને જીવનમાં એવું કાર્ય કરો કે જેથી માતા-પિતાની આબરૂ ન જાય પણ તેઓનું મસ્તક ગર્વથી ઊંચું રહે તેવું કાર્ય કરવા કહ્યું હતું.
મંત્રી શ્રી ચૌહાણએ આવા મહોત્સવ યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓને અને તેમનામાં રહેલ કલાકારની કલા પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં આવા મહોત્સવ થકી ગ્રામિણ સંસ્કૃતિના દર્શન થાય છે તે ગ્રામિણ સંસ્કૃતિને જીવંત અને ટકાવી રાખવાનું કામ પણ આવા મહોત્સવો થકી થઇ રહ્યું હોવાનું ઉમેર્યુ હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંતર કોલેજ સ્પર્ધામાં યોજાયેલ વિવિધ ૨૪ જેટલી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચેમ્પિયન બનેલ બી.એન.પટેલ પેરા મેડીકલ કોલેજ ટીમ અને રનર્સ અપ બનેલ આણંદની એમ.બી.પટેલ સાયન્સ કોલેજને ટ્રોફી તથા વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમે વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રારંભમાં યુવક મહોત્સવના ઓર્ગેનાઇઝીંગ કમિટીના ચેરમેન ડૉ. વિમલ જોષીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ યુવક મહોત્સવમાં વિવિધ ૨૪ જેટલી સ્પર્ધાઓમાં ૬૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લઇને પોતાની કલા પ્રદર્શિત કરી હોવાનું જણાવ્યું હતું. જયારે અંતમાં યુનિવર્સિટીના નાયબ કુલસચિવ શ્રી ડૉ. જયોતિબેન તિવારીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ, યુવક મહોત્સવમાં ભાગ લઇ રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આણંદ ખાતે રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું