અમદાવાદ : સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો પર સકંજો કસતા ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે, જે સ્કૂલો પાસે રાઈટ ટુ એજ્યુકેશન અનુસાર લાયકાત ધરાવતા શિક્ષકો નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે સ્કૂલો માટે આટીઈના માપદંડોનું પાલન કરવા માટે માર્ચ ૨૦૧૯ની સમયસીમા નક્કી કરી હતી, જેમ કે શિક્ષકોના પાત્રતાના માપદંડ તરીકે બીએડ અને પીટીસીનો અભ્યાસ પૂરો કર્યો હોય તેવા જ શિક્ષકો લેવા. નિષ્ણાતોનું કહેવું છે કે, સરકાર અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો વચ્ચે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેના કારણે સરકારના અભિગમમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તમામ સ્કૂલોને એક પરિપત્ર પાઠવ્યો હતો. જ્યારે ગુજરાત સરકારે હાલમાં કોરોના વાયરસના કારણે ૧૯ માર્ચથી સ્કૂલો બંધ છે ત્યારે વાલીઓ પાસેથી ફી નહીં વસૂલવા માટેનો આદેશ આપ્યો છે.
સરકારના પરિપત્ર કહેવાયું છે કે, ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશને ૨૬ જુલાઈએ વિદ્યાર્થીઓને તેમની ફીમાં રાહત આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેથી પરિપત્ર દ્વારા સરકારે જાહેરહિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને જ્યાં સુધી ખોલવામાં ન આવે ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી શકશે નહીં, તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ સ્કૂલોએ ગયા અઠવાડિયે ઓનલાઈન ક્લાસ બંધ કરી દીધા હતા અને સરકારના નિર્ણયના વિરોધમાં ઘણાએ ઓનલાઈન અભિયાન પણ શરુ કર્યું હતું.
જેની પ્રતિક્રિયા સરકારે એક પરિપત્રથી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, શિક્ષણ વિભાગ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરુ કરશે. જે બાદ સોમવારથી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોએ ફરીથી ઓનલાઈન ક્લાસ શરુ કર્યા છે, જો કે તેમનો સરકાર સામેનો વિરોધ યથાવત્ જ છે. ઘણી સ્કૂલોના સંચાલકોએ તો સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પણ પડકાર્યો છે.