યસ બેન્ક ખાતાધારકોના નાણાં સુરક્ષિત,ગભરાવાની જરૂર નથીઃ રજનીશ કુમાર
એસબીઆઇ યસ બેન્કનો ૪૯ ટકા હિસ્સો ખરીદશે, બેન્કને કુલ ૨૦,૦૦૦ કરોડની જરૂર,શેર ધારકોના હિત સાથે સમાધાન નહીં કરવામાં આવે…
મુંબઇ : ખાનગી ક્ષેત્રની યસ બેન્ક આર્થિક સંકટમાં સપડાતા ખાતાધારકોમાં હાહાકાર મચી ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ યસ બેન્ક પર એક મહિનાના નિયંત્રણો લાદી દીધા છે તેમજ બેન્કમાંથી રોકડ ઉપાડ મર્યાદીત કરી દીધું છે. જો કે આ તમામ ચિંતા વચ્ચે બેન્કના ખાતાધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને યસ બેન્કને ઉગારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે એસબીઆઈએ એક યોજના બનાવી છે જે અંતર્ગત તે યસ બેન્કનો ૪૯ ટકા હિસ્સો ખરીદશે. રજનીશ કુમારે કહ્યું કે હાલ યસ બેન્કને ૨૦૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. હાલ તેમાં રૂપિયા ૨૪૫૦ કરોડનું રોકાણ કરવાની એસબીઆઇએ યોજના બનાવી છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે પણ જણાવ્યું છે કે હાલમાં યસ બેન્કના ખાતા ધારકોના નાણાં સુરક્ષિત છે અને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી.
રજનીશ કુમારે એસબીઆઈની રોકાણ યોજનાને વિસ્તારથી જણાવતા કહ્યું કે રોકાણ પ્લાન પર વિચાર કર્યા બાદ અમે ૯મી માર્ચના રોજ ફરીથી રિઝર્વ બેન્કની પાસે જઇશું. એસબીઆઈની લીગર ટીમ તેમજ ઈન્વેસ્ટમેન્ટ ટીમે સાથે મળીને ડ્રાફ્ટ યોજના તૈયાર કરી છે. રજનીશ કુમારના મતે ડ્રાફ્ટ યોજના જોયા બાદ અન્ય સક્ષમ રોકાણકારોએ પણ અમારો સંપર્ક કર્યો છે. યસ બેન્કના શેરધારકોના હિત સાથે બિલકુલ સમાધાન નહીં કરવામાં આવે.
પ્રવર્તમાન સમયે બેન્કના ખાતાધારકોને મહિને ફક્ત રૂ. ૫૦ હજાર ઉપાડવાની છૂટ આપવામાં આવી છે. આરબીઆઈ દ્વારા મોરેટોરિયમ પીરિયડ લાગુ કરાયો હોવાથી ખાતાધારકો માટે આ સમસ્યા કામચલાઉ છે તેમ એસબીઆઈ ચેરમેને જણાવ્યું હતું. નાણાં ઉપાડવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા છે તેને લઈને તેમણે કહ્યું કે આનાથી લોકોને મુશ્કેલી જરૂર પડે છે પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી.
યસ બેન્ક સંકટ પર કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે યસ બેન્કના ગ્રાહકોને વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે ખાતાધારકોના પૈસા ડૂબવા નહી દઇએ. ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બેન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છીએ. આરબીઆઇએ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક પર એક મહિનાની અંદર ૫૦ હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કએ સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્કને લઈ કડક વલણ અપનાવી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વિખેરી નાખ્યુ હતું. આ ઉપરાંત બેન્કના ખાતાધારકો માટે નાણાં ઉપાડવા માટે રૂપિયા ૫૦,૦૦૦ની મર્યાદા લાદી હતી.