નવી દિલ્હી : આ એસેટ વેચાણ આયોજન દ્વારા કોરોનાના લીધે કરવેરાના મોરચે પડેલી ઘટને ભરપાઈ કરવામાં આવશે. આ વર્ષે વ્યાપક વિનિવેશ દરખાસ્તમાં લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના પબ્લિક ઇશ્યૂની સાથે બીપીસીએલ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓના વેચાણનો સમાવેશ થાય છે. સીતારામન ૧૧ મંત્રાલયો હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સના મોનેટાઇઝેશનના આયોજનની જાહેરાત કરે તેમ મનાય છે.
કેન્દ્ર આગામી ચાર વર્ષમાં એસેટ મોનેટાઇઝેશન દ્વારા છ લાખ કરોડની રકમ એકત્રિત કરવાનું આયોજન ધરાવે છે. સરકાર બજેટ ખાધમાં ઘટાડો કરવા અને નાણાકીય સ્ત્રોતોમાં વધારો કરવા માટે એસેટ મોનેટાઇઝેશન કરવામાં આવનાર છે. આ પ્લાનમાં રોડ અને રેલવે એસેટ્સ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઇન્સ, અને ગેસ પાઇપલાઇનોનો હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે તેનો રોડમેપ પૂરો પાડવાના છે
આ હિસ્સા વેચાણ પીએમ મોદીની વ્યૂહાત્મક વિનિવેશ નીતિ હેઠળ કરાશે. આ આયોજન હેઠળ રાજ્ય કેટલાક ઓળખી કાઢવામાં આવેલા ક્ષેત્રો જ તેની પાસે રાખશે અને બાકીનાનું ખાનગીકરણ કરશે. સરકાર અહીં કોઈ એસેટ્સ સંપૂર્ણપણે વેચી નહી નાખે, પરંતુ તેનો સારામાં સારો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશે. આમ એસેટની માલિકી સરકાર પાસે રહેશે. સમગ્ર કવાયત દ્વારા વધુને વધુ મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સરકાર માર્ચ ૨૦૨૨માં પૂરા થનારા નાણાકીય વર્ષ સુધીમાં એસેટ મોનેટાઇઝેશનના આયોજન હેઠળ ૧.૭૫ લાખ કરોડ મેળવે તેવી સંભાવના છે.
રેલવેનું મોનેટાઇઝેશન કરીને ૧.૫ લાખ કરોડ મેળવવામાં આવે તેમ માનવામાં આવે છે. તેમા ૪૦૦ રેલવે સ્ટેશનો, ૯૦ પેસેન્જર ટ્રેનો, ૭૪૧ કિ.મી.ની કોંકણ રેલવેઝ અને ૧૫ રેલવે સ્ટેડિયમો અને કોલોનીઓનું મોનેટાઇઝેશન કરીને અંદાજે ૧.૨ લાખ કરોડ મેળવવામાં આવશે. ૨૬,૭૦૦ કિ.મી.ના નેશનલ હાઇવે અને નવા રસ્તાઓનું મોનેટાઇઝેશન કરીને ૧.૬ લાખ કરોડ મેળવાશે.
આ માટે એનએચએઆઇ ઇનવિટ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) રૂટ અપનાવશે. વીજ ક્ષેત્રની એસેટ્સ દ્વારા એક લાખ કરોડ મેળવાશે તેમ મનાય છે. તેમા પાવર ટ્રાન્સમિશનનું મોનેટાઇઝેશન કરીને ૪૫,૨૦૦ કરોડ અને છ ગીગાવોટની પાવર જનરેશન એસેટનું મોનેટાઇઝેશન કરીને ૩૯,૮૩૨ કરોડ એકત્રિત કરાશે. ગેસ પાઇપલાઇન દ્વારા ૫૯,૦૦૦ કરોડ મેળવાશે. ૮,૧૫૪ કિ.મીની નેચરલ ગેસ પાઇપલાઇન દ્વારા ૨૪,૪૬૨ કરોડ અને ૩,૯૩૦ કિ.મી પ્રોડક્ટ પાઇપલાઇન દ્વારા ૨૨,૫૦૪ કરોડ મેળવાશે તેમ મનાય છે.
ટેલિકમ્યુનિકેશન એસેટ્સ દ્વારા ૪૦,૦૦૦ કરોડ મેળવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. તેમા ભારતનેટ ફાઇબરની ૨.૮૬ લાખ કિ.મી.નું લાઇનનું મોનેટાઇઝેશન કરી ૩૫,૧૦૦ કરોડ મેળવાશે. જ્યારે બીએસએનએલઅને એમટીએનએલના સિગ્નલ ટાવરના ૧૪,૯૧૭ કરોડ મેળવાશે. પબ્લિક વેરહાઉસિસ અને કોલસાની ખાણો દ્વારા ૨૯,૦૦૦-૨૯૦૦૦ કરોડ મેળવાશે. એરપોર્ટ મોનેટાઇઝેશન દ્વારા ૨૦,૭૮૨ કરોડ અને પોર્ટ દ્વારા ૧૨,૮૨૮ કરોડ મેળવાશે. નાગરિક ઉડ્ડયન અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઇનિંગ એસેટ્સ દ્વારા બીજા એક લાખ કરોડ મેળવવામાં આવશે તેમ મનાય છે, એમ તેમણે જણાવ્યું હતું. ઓછી ઉપયોગમાં લેવાતી એસેટને મોનેટાઇઝ કરવામાં આવશે અને એસેટની માલિકી સરકાર પાસે રહેશે.
Other News : Corona : આ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, નીતિ આયોગે સૂચનો આપ્યા