ન્યુ દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધારે પ્રભાવિત થશે તેવી શક્યતાઓની વચ્ચે બાળકો માટે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવાની પણ તૈયારીઓ થઈ ગઈ છે. બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે છે. તેનો ત્રીજો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે બાળકો માટેની કોવેક્સિનનો ટ્રાયલ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. બાળકો માટેની કોરોનાની વેક્સિનને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં મંજૂરી મળશે અને વેક્સિનેશન શરૂ થશે તેવું અનુમાન છે.
આશા છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે આ વેક્સિનનું કામકાજ શરૂ કરી શકીશું
નેશનલ ગ્રુપ ઓન વેક્સિનના પ્રમુખ ડૉક્ટર અરોરાના કહ્યા પ્રમાણે, ઝાયડસની કોરોનાની વેક્સિનને પણ ઈમર્જન્સી ઉપયોગ માટે કેટલાક સપ્તાહની અંદર જ લીલી ઝંડી મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં સ્કૂલો ખોલવા સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. આશા છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે આ વેક્સિનનું કામકાજ શરૂ કરી શકીશું. ભારત બાયોટેકની બાળકો માટેની વેક્સિન ઉપલબ્ધ થયા બાદ ૨થી ૧૮ વર્ષના બાળકોનું ડિસેમ્બર અથવા જાન્યુઆરી-ફેબ્રુઆરીના મધ્યમાં વેક્સિનેશન શરૂ થઈ શકે છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધારે અસર થશે તેવો કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જો કે જોકે પીડિયાટ્રિક એસોસિએશન સહિત કેટલાક ગ્રુપ કહી ચૂક્યા છે કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર થવાની શક્યતા ખોટી પણ સાબિત થઈ શકે છે અને મજબૂત રોગપ્રતિકારક ક્ષમતાને કારણે બાળકો સુરક્ષિત રહેશે. જો કે સરકાર એલર્ટ છે અને કોઈજ કસર છોડવા માંગતી નથી.
નીતિ આયોગના સભ્ય ડૉ. પાલે હતું કે, દેશમાં ૧૨-૧૮ વર્ષના બાળકોની વસ્તી લગભગ ૧૪-૧૫ કરોડની વચ્ચે છે. તેમના રસીકરણ માટે ૨૮-૩૦ કરોડ ડોઝની જરૂર પડશે. જો ફાઇઝર અને અન્ય વિદેશી કંપનીઓથી બાળકોની વેક્સિન આયાત પણ કરવામાં આવે છે તો કોઈ પણ કંપની આટલી મોટી સંખ્યામાં ડોઝ ઉપલબ્ધ કરાવવાની સ્થિતિમાં નહીં હોય, આ કારણે સ્વદેશી વેક્સિનના સહારે જ બાળકોના રસીકરણની રણનીતિ બનાવવી પડશે.
Other News : ત્રીજી લહેરની આશંકા : ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા PMનો આદેશ