USA : દુનિયાભરમાં રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ દિવસની ધૂમ માત્ર ભારતમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ જોવા મળી છે. રવિવારે ન્યૂયૉર્કના પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્કવેરમાં સાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. ટાઈમ્સ સ્કવેર ૨૦૨૧માં સોલસ્ટિસની થીમ સાથે આખો દિવસ ચાલતો યોગ ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં ૩૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો અને એક સાથે યોગ કર્યા. ટાઈમ્સ સ્કવેરમાં ૩૦૦૦થી વધુ યોગીઓનુ એકસાથે યોગા મેટ પર યોગ કરવાનુ જોવાલાયક હતુ. આના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટાઈમ્સ સ્કવેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આ કાર્યક્રમની યજમાની ભારતીય દૂતાવાસે ટાઈમ્સ સ્કવેર એલાયન્સ સાથે કરી છે.
ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ રણધીર જયસ્વાલે એએનઆઈને કહ્યુ, ’અમારી દુનિયાભરની સૌથી જાણીતી જગ્યા ટાઈમ્સ સ્કવેરમાં યોગ દિવસ સેલિબ્રેટ કરવાનુ એ દર્શાવે છે કે યોગ હવે ગ્લોબલ બની ચૂક્યુ છે. યોગની શરૂઆત ભારતમાં થઈ હતી પરંતુ આજે વૈશ્વિક વારસાનો હિસ્સો છે. યોગ સ્વાસ્થ્ય માટે છે, આપણી પ્રકૃતિ સાથે સામંજસ્ય બેસાડવા અને જીવવાની રીત વિશે છે. યોગ જીવન જીવવાની એક રીત છે. આપણે એક શાંતિપૂર્ણ અને સભ્ય સમાજ માટે યોગ કરવુ જોઈએ.’
યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેનાર રુચિકા લાલે કહ્યુ, ’ટાઈમ્સ સ્કવેર એનવાયસીમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવુ એક વિશ્વસનીય અનુભવ હતો. શહેરની ભીડવાળી જિંદગીમાં હજારો યોગીઓને શાંતિનો અનુભવ કરતા જોવા બહુ સારુ હતુ.’ એક અન્ય વ્યક્તિએ કહ્યુ, ’હું દર વર્ષે ટાઈમ્સ સ્કવેરમાં યોગ કરવાનુ પસંદ કરુ છુ. હું આ કાર્યક્રમના આયોજન માટે વાણિજ્ય દૂતાવાસનો આભાર માનુ છુ.’
- Yash Patel