લખનૌ : લંડનથી ભારત પરત ફર્યા બાદ કોવિડ-૧૯થી સંક્રમિત થયેલી બોલીવુડની ગાયિકા કનિકા કપૂરનો આખરે છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. લખનઉ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર આર.કે. ધીમાને કહ્યું, તેનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. પરંતુ તેને ઘરે જવાની મંજૂરી આપતા પહેલા અમે વધુ એક ટેસ્ટ કરીશું.
જો તેનો બીજો ટેસ્ટ પણ નેગેટિવ આવે છે તો કનિકાને આ સપ્તાહે ઘરે જવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કનિકાની મુશ્કેલી વધવાની સંભાવના છે.
કોરોના વાયરસથી સંક્રમિત હોવા અને શહેરમાં ખુદને આઇસોલેટ કરવાના અધિકારીઓએ આપેલા નિર્દેશો છતાં શહેરના વિભિન્ન સામાજીક કાર્યક્રમોમાં ભાગ લેવાને લઈને અને બેદરકારીના આરોપમાં કનિકા પર ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.