મૃત્યુઆંક ૧૨૫૦૦ને પાર, ૪ લાખથી વધુ લોકો સંક્રમિત…
USA : દુનિયાના ભલભલા દેશોને ધોળા દિવસે આભના તારા દેખાડી દેનારી મહાશક્તિ અમેરિકા આજે કોરોના વાયરસ સામે ઘુંટણીયે પડી ગયું છે. અહીં કોરોનાના કારણે થઈ રહેલા મોત કેમેય કરીને રોકાતા નથી. અમેરિકામાં છેલ્લા ૨૪ જ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૨૦૦૦ લોકોના મોત થતા દુનિયા આખી હચમચી ઉઠી છે.
જોન્સ હોપકિંસ યૂનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં છેલ્લા ૨૪ જ કલાકમાં ૧૯૩૯ લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા ૧૨,૭૨૨ પહોંચી ગઈ છે. દુનિયામા કોરોનાથી મરનારા લોકોની સંખ્યામાં અમેરિકા ત્રીજા નંબર પર આવી ગયું છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૧૭,૧૨૭ સાથે ઈટાલી પહેલા અને ૧૩,૭૯૮ લોકોના મોત સાથે સ્પેન બીજા ક્રમે આવી ગયું છે.
અમેરિકામાં કોરોનાનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૦૦થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાના નવા ૩૩ હજારથી વધુ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસ ચાર લાખને પાર થયા છે.યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૨ હજાર ૭૨૨ થયો છે. અમેરિકાનું ન્યૂયોર્કએ કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે.ત્યારે ન્યૂયોર્ક સીટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાથી વધુ લોકોના મોત કોરોનાથી થયા છે.
અમેરિકામાં નોંધાયેલા કુલ ચાર લાખ પોઝીટીવ કેસમાંથી ન્યુયોર્કમાં જ એક લાખ ૪૨ હજારથી વધુ પોઝીટીવ કેસ છે.. યોર્કમાં મૃત્યુઆંક પાંચ હજાર ચારસોને પાર પહોંચ્યો છે. શબ દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા રહી નથી. ન્યૂયોર્ક શહેરની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર એક અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું છે. અધિકારી શબોને જાહેર સ્થળોએ અસ્થાયી રીતે દફનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે તો યોગ્ય સ્થળે દફનાવાશે.
- Nilesh Patel