ભિલોડા : ચૂંટણીના સમયે આપણને જરૂર એવું જોવા મળે છે કે, પોત-પોતાની સમસ્યાઓને લઈને કેટલાક લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપતા હોય, પરંતુ ગુજરાતના અલવલ્લી જિલ્લાના ભિલાડા તાલુકામાં આવેલા કેટલાક ગામોમાં એક અલગ જ મુદ્દા પર ચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગે ચર્ચા જગાવી છે. તાલુકાના કુંડોલ પાલના ગ્રામજનોની માંગ છે કે, જો આ વિસ્તારમાં ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં નહી આવે, તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રવિવારે કુંડોલ પાલ ગામની આસપાસના અન્ય ગ્રામીણ વિસ્તારોના લોકોની બેઠક થઈ હતી. જેમાં તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટની સ્પીડ વધારવાની માંગને લઈને ચર્ચા થઈ હતા. આ બેઠકમાં સામેલ તમામ લોકોનું કહેવું હતું કે, એક તરફ કોરોના કાળમાં સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ખરી સમસ્યા શહેરી વિસ્તાર અને મોટા ગામોમાં ઈન્ટરનેટની સ્પીડ સારી હોય છે. જેના કારણે ત્યાંના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અભ્યાસ કરી શકતા હતા. જ્યારે શહેરથી દૂર આંતરિયાળ ગામડાઓમાં ઈન્ટરનેટની સુવિધા જ નથી અને છે તો પણ ખૂબ જ ધીમી. જેના કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓ વ્યવસ્થિત અભ્યાસ નહતા કરી શકતા. ઓનલાઈન અભ્યાસ માટે ગામના વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી ૫ કિલોમીટર દૂર જવું પડતું હતું. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હતા, જે ઓનલાઈન અભ્યાસ કરવા માટે નેટવર્ક માટે ઝાડ પર ચડી જતા હતા.