દુનિયાના તમામ દેશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે…
ન્યુ દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે બજારમાં વધારે રોકડ નાંખવાની જરૂર છે અને રાજ્ય સરકારોને ૨૦ લાખ કરોડ રૂપિયા ફાળવવા જોઈએ જ્યારે ૧૦ લાખ કરોડ રૂપિયા જાહેર-ખાનગી ભાગદારી રોકાણથી આવી શકે છે.
નિતિન ગડકરીએ જણાવ્યું કે, આનાથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરા કરાયેલા ૨૦ લાખ કરોડના પેકેજ સહિત ૫૦ લાખ કરોડ રૂપિયાની તરલતા બજારમાં આવશે જેનાથી અર્થવ્યવસ્થા પર કોરોનાની નકારાત્મક અસરનો સામનો કરવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. સમગ્ર દુનિયા મુશ્કેલીનો સામનો કરી રહી છે. અમેરિકાએ સંકટનો સામનો કરવા માટે અમેરિકાએ બે ટ્રિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે જ્યારે જાપાને તેમના જીડીપીના ૧૨ ટકાની બરાબર પેકેજની જાહેરાત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર પેકેજ જીડીપીના ૧૦ ટકાની બરાબર છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯થી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે હવે વધારે સંસાધન ભેગા કરી શકાય છે અને રાજ્યને વધારે ૨૦ લાખ કરોડ રૂપિયા ફાળવી શકાય છે અને લઘુત્તમ ૧૦ લાખ કરોડ રૂપિયા જાહેર-ખાનગી રોકાણ દ્વારા એકત્ર કરી શકાય છે. આનાથી અર્થવ્યવસ્થાને ૫૦ લાખ કરોડ રૂપિયા આવશે જેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.