મુંબઇ : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે ફ્રેન્ચાઇઝ સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ૧૩મી સીઝન ટૂંકી હશે. કેટલી મેચ રમાઈ છે એ તેના પર નિર્ભર કરે છે કે ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થાય છે. જોકે હવે સામે આવી રહ્યું છે કે, બીસીસીઆઇએ નક્કી કરી લીધું છે કે ટૂર્નામેન્ટ જુના શેડ્યુલ પ્રમાણે ૬૦ દિવસ જ રમાશે. જો અત્યારે સંભવ નહિ થાય તો આ સીઝન જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન રમવામાં આવી શકે છે.
જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ ટી-૨૦ છે, તેમજ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ-આયર્લેન્ડની સીરિઝ છે. તે સિવાય અન્ય કોઈ દેશ આ દરમિયાન ક્રિકેટ રમવાનું નથી. બીસીસીઆઇ જૂન-જુલાઈમાં શ્રીલંકા સામેની વનડે અને T-૨૦ સીરિઝ પણ પોસ્ટપોન કરવા અંગે વિચારી રહ્યું છે. બોર્ડનું માનવું છે કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન આખી સીરિઝ રમી શકાય છે.
૨૦૦૯માં દક્ષિણ આફ્રિકામાં આખી ટૂર્નામેન્ટ ૩૭ દિવસમાં રમાઈ હતી. ૫ અઠવાડિયા અને ૨ દિવસ. બોર્ડના અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટ અર્ધી ભારતમાં અને અર્ધી વિદેશમાં રમાઈ શકે છે. તેમજ શક્ય હોય તો આખી ટૂર્નામેન્ટ વિદેશમાં શિફ્ટ થઈ શકે છે.