મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ને થોડા દિવસો પહેલા કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં લઈને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ લીગમાં સતત ખેલાડીઓ અને સ્ટાફના સભ્ય સંક્રમિત થઈ રહ્યા હતા, જેના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન આ વાત પર સતત સવાલ ઉઠી રહ્યા છે કે IPL બાકી બચેલી મેચ ક્યાં આયોજિત થશે? ઉલ્લેખનીય છે કે ઇંગ્લિસ કાઉન્ટી ક્રિકેટની ચાર મુખ્ય ટીમ મિડલસેક્સ, સર્રે, વારવિકશર અને લંકાશરે IPL ૨૦૨૧ની બાકી બચેલી મેચની મેજબાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રિપોર્ટ મુજબ આ ચારેય ટીમોએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને એક પત્ર લખ્યો છે. જેમાં સપ્ટેમ્બરના બીજા હાફમાં ટુર્નામેન્ટ પૂરી કરાવવાની વાત કરવામાં આવી છે. સમાચાર એવા પણ છે કે BCCIની મુખ્ય કાર્યકારી બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડઆ મુદ્દા પર વાત કરી શકે છે. સૌરવ ગાંગુલી કહ્યું કે અત્યારે એ કહેવું વહેલું ગણાશે કે IPL બાકી બચેલી મેચો માટે કોઈ વિન્ડો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેમના ઘર આંગણે ૫ ટેસ્ટ મેચ રમશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યારબાદ T20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ પાસે સમય હશે. આ દરમિયાન IPL બાકી બચેલી મેચ કરાવી શકાય છે. આમ તો આ લિસ્ટમાં UAEનું નામ સૌથી આગળ છે, કેમ કે ગયા વર્ષે કોરોના મહામારી ફેલાવા દરમિયાન ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાવવામાં આવ્યું હતું. UAEએ પણ આ બાબતે કશું જ કહ્યું નથી, પરંતુ અટકળો ટુર્નામેન્ટ સ્થગિત થયા બાદ લગાવવામાં આવી રહી છે.