Charotar Sandesh
ઈન્ડિયા

…આખરે સાત વર્ષ બાદ નિર્ભયાને ન્યાય મળ્યો…

ચાર નરાધમોને વહેલી સવારે એક સાથે ફાંસીના માંચડે લટકાવાયા…

ફાંસીના કેટલાક કલાક પહેલાં પણ કાનૂની જંગ ખેલાયો પરંતુ અંતે નરાધમો હાર્યા અને લટકાવી દેવાયા,પરિવારજનો સહિત દેશભરમાં ખુશીનો માહોલ…

ન્યુ દિલ્હી : ૬ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ દિલ્હીની એક ૨૩ વર્ષિય યુવતી પર ચાલુ બસમાં સામુહિક બળાત્કાર અને હત્યાના દોષી ઠેરવવામાં આવેલા ૬ પૈકીના ચાર દોષિત નરાધમો મુકેશ સિંઘ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય શર્મા (૨૬) અને અક્ષય કુમાર સિંઘ (૩૧) ને, ભારતના કાયદાની આંટીઘૂંટીમાં વિલંબ થયા પછી પણ આખરે ૭ વર્ષ, ૩ મહીના અને ૩ દિવસ બાદ દિલ્હીની તિહાર જેલમાં આજે ૨૦ માર્ચ, શુક્રવારે વહેલી સવારે સુરજ ઉગે તે પહેલાં ૫.૩૦ વાગ્યાના સુમારે અંધકારમાં એક સાથે ફાંસી આપવામાં આવી હતી, તેના પગલે ભારતના લાંબા ઇતિહાસમાં એક ભયાનક અને કલંકિત પ્રકરણનો પણ અંત આવ્યો હતો. અને ભોગ બનનાર નિર્ભયાને અને તેમના પરિવારને પણ લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફાંસી બાદ ટ્‌વીટ કરીને સંદેશો આપ્યો હતો કે ન્યાયની જીત થઇ છે. ફાંસી પછી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે અંતે દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. આજે અમને ન્યાય મળી જ ગયો. આજનો દિવસ દિકરીઓના નામે છે. હું સરકાર અને ન્યાયપાલિકાનો આભાર માનુ છું.
આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ સંકુલ તિહાર જેલમાં ચાર ગુનેગારોને એક સાથે ફાંસી આપવામાં આવી હોય. આ જેલમાં અંદાજે જેમાં ૧૬,૦૦૦ થી વધુ કેદીઓ છે. ફાંસીમાંથી બચવા માટે આ ચાર નરાધનોએ દરેક શક્ય કાનૂની માર્ગનો ઉપયોગ કર્યા બાદ અને ફાંસીના સમય પહેલા પણ છેલ્લીઘડીના પ્રયાસો સુપ્રિમ કોર્ટમાં કરતા અને તેમાં પણ હાર થતાં આખરે દલ્લાદ પવન દ્વારા તમામ ચારેયને ફાંસીના માંચડે લઇ જઇને લટકાવી દેવામાં આવ્યાં હતા. ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ ફાંસીના અમલની પહેલી તારીખ નક્કી કરવામાં આવી હતી.પરંતુ કાનૂની જંગને કારણે ૩-૩ ડેથ વોરંટ મુલ્તવી રાખ્યા બાદ આખરે ચોથો ડેથ વોરંટ ૨૦ માર્ચનો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. છેલ્લા પ્રયાસોમાં, એક દોષીએ ફાંસી પર લટકાવવાના કલાકો પહેલા દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
ફાંસીના કલાકો પૂર્વે પવન કુમાર ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્વારા દયાની બીજી અરજીને નકારી કાઢવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાત્રે ૨.૩૦ વાગ્યે શરૂ થયેલી અને એક કલાક ચાલેલી અભૂતપૂર્વ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેની છેલ્લી અરજીને ફગાવી દીધી અને ફાંસીના અમલનો માર્ગ મોકળો કર્યો હતો.
જોકે દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ તેમને સફળતા ન મળી. મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો હતો.
કેસની વિગત જોઇએ તો ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી, બીજો આરોપી સગીર હતો તેથી ૩ વર્ષ પછી છૂટી ગયો હતો.. બાકી વધેલા ચાર- મુકેશ, અક્ષય, વિનય અને પવન તેમની મોતના ૧.૫૮ કલાક પહેલાં સુધી કાયદા સામે કરગરતા રહ્યા હતા. અંતે જીત નિર્ભયાની જ થઈ હતી
દરેક દુષ્કર્મીઓને નીચલી કોર્ટે ૯ મહિનામાં જ ફાંસીની સજા આપી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે માત્ર ૬ મહિનામાં જ નીચલી કોર્ટની સજાને મંજૂર કરી દીધી હતી. તેના ૨ વર્ષ ૨ મહિના પછી મે ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ફાંસીની સજા થશે. તે પછી પણ બીજા ૨ વર્ષ અને ૧૦ મહિના પસાર થઈ ગયા. ૪ વાર ડેથ વોરન્ટ જાહેર થયું અને અંતે આજે શુક્રવારે ફાંસી આપી દેવામાં આવી હતી . આ પહેલાં દોષિતોએ ૧૫ કલાકમાં ૬ અરજીઓ કરી હતી. શુક્રવારે સવારે સવા ત્રણ વાગ્યા સુધી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અંતે દરેક અરજી ફગાવી દેવામાં આવી હતી.
સવારે ૫ વાગ્યાથી તિહાર જેલમાં ફાંસીની છેલ્લી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દુષ્કર્મીઓને ફાંસીના તખ્તા પર લઈ જવામાં આવ્યા હતા. ચારેયના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. વિનય રડવા લાગ્યો હતો. ત્યારપછી દરેક દોષિતોના ચહેરા પર કાળુ કપડું પહેરાવી દેવામાં આવ્યું હતું અને ગળામાં ફંદો પહેરાવી દેવામાં આવ્યો હતો. સવારે બરાબર ૫.૩૦ વાગે જલ્લાદ પવને લીવર ખેંચ્યું….અને દેશની દિકરીઓને ન્યાય મળી ગયો હતો.. માત્ર ૭ મિનિટમાં જ જેલ અધિકારીઓએ ચારેયને મૃત જાહેર કરી દીધા હતા. ૩૦ મિનિટ પછી ડોક્ટરોની ટીમે પણ દરેક દોષિતોને મૃત જાહેર કરી દીધા હતા.

Related posts

દેશમાં કોરોનાના ૩.૬૬ લાખ નવા કેસ ૩,૭૪૭નાં મોત…

Charotar Sandesh

યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સની મુંબઈમાંથી ધરપકડ…

Charotar Sandesh

કોરોનાનો કહેર : દેશની ટુ-વ્હીલર કંપનીઓએ પોતાની તમામ ફેક્ટરીઓ ૧લી મે સુધી બંધ કરી…

Charotar Sandesh