દુબઇ : ભારતીય ટીમના સીમિત ઓવરના વાઈસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા માંસપેશીઓમાં ખેંચને કારણે સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રણેય ફોર્મેટમાંથી ટીમની બહાર થઈ ગયો છે. પણ અઠવાડિયામાં જ રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે મેદાનમાં ઉતરી શકે છે. ફિટનેસ સાબિત કર્યા બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ સિલેક્ટ કરી શકાય છે.
હિટમેન રોહિતની ગેરહાજરીમાં રાહુલ ટી-૨૦ અને વનડેમાં વાઈસ કેપ્ટનની ભૂમિકામાં હશે. લાંબા સમય બાદ તે ટેસ્ટ ટીમમાં પણ વાપસી કરશે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સીમિત ઓવરોના ફોર્મેટથી બહાર છે. જ્યારે તેણે ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખી છે.
રોહિતને આ ઈજા યુએઇમાં આઇપીએલ દરમિયાન થઇ હતી. બીસીસીઆઇના હેલ્થ ટીમ રોહિત શર્મા અને બોલર ઈશાંત શર્માની ઈજા પર નજર રાખી રહી છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ૩ ટી-૨૦ મેચ અને વનડે તેમ જ ૪ મેચોની ટેસ્ટ સીરિઝ રમવાની જરૂર છે. આ પ્રવાસ ૨૭ નવેમ્બરથી શરૂ થવાનો છે. રોહિત ૩ નવેમ્બરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી શકે છે. જે પ્લેઓફની શરૂઆત પહેલાની અંતિમ લીગ મેચ હશે.