રાજકોટ : જો તમે ઓનલાઇન ખરીદી કરો છો અને સામેવાળી વ્યક્તિને તમે ઓળખતા નથી તો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતા પહેલા વિચાર કરજો કારણકે તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. બોડકદેવ વિસ્તારમાં રહેતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં પેજ મારફતે જૂનું આઇપેડ ખરીદવા માટે વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને એડવાન્સ પેટે અને કોરોનામાં ડિલિવરીના નામે રૂ. ૧૨,૨૬૦ ભરાવ્યાં બાદ વોટ્સએપમાં બ્લોક કરી છેતરપિંડી કરી હતી.
નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોડકદેવમાં આવેલ બાલાજી પ્લાઝમા હેતાર્થ હિરપરા નામનો યુવક રહે છે. નવરંગપુરામાં આવેલ અશ્વમેઘ હાઉસમાં ટ્રેની તરીકે નોકરી કરે છે. અઠવાડિયા પહેલા તેણે ઇન્સ્ટાગ્રામમાં સમાર્ટ ફોન શોપ નામના ઇન્સ્ટાગ્રામના પેજ પર એપલની પ્રોડક્ટ્સ વેચવાની જાહેરાત મૂકી હતી. હેતાર્થને આઇપેડ લેવાનું હોવાથી તેમાં આપેલા વોટ્સએપ નંબર પર ચેટ દ્વારા ૯૦૦૦૦નું આઇપેડ ૪૩ હજારમાં મળતું હોવાથી તેણે સામેવાળી વ્યક્તિને કહ્યું હતું.
એડવાન્સ પેટે પૈસા જમા કરાવવા તેણે બેન્ક એકાઉન્ટ નંબર આપતા પહેલા રૂ. ૪૮૯૦ જમા કરાવ્યા હતા. બાદમાં કોરોનાના કારણે હોમ ડિલિવરી નહિ થઈ શકે કહી કુરીયર માટે રૂ.૭૪૩૦ જમા કરાવ્યા હતા. આમ કુલ ૧૨,૦૦૦ જેટલા જમા કરાવ્યા બાદ આઇપેડ ન આપતાં પોતે છેતરાયાની જાણ થઈ હતી. જેથી હેતાર્થએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.